Uncategorized
Trending
ગુજરાતના વેપારીઓ માટે મોટા સમાચાર, હવે દુકાન-મોલ-રેસ્ટોરન્ટ 24 કલાક ચાલુ રાખી શકાશે; પોલીસ પણ બંધ નહીં કરાવી શકે

ગુજરાતમાં દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમો હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા (Shop and Establishment Act) સંબંધિત કાયદામાં આ માટે મહત્વનો સુધારો કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમો હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા (Shop and Establishment Act) સંબંધિત કાયદામાં આ માટે મહત્વનો સુધારો કર્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ કરાયેલા સુધારા બાદ માત્ર સમયમર્યાદાના કારણસર પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી આવા એકમોને બંધ કરાવી શકશે નહીં. જોકે, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીને લગતા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
હાલની વ્યવસ્થા મુજબ મહાનગરપાલિકા વિસ્તાર, હોસ્પિટલ, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા કેટલાક વિસ્તારોને બાદ કરતાં દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમોના સમય પર નિયંત્રણ હતું. નગરપાલિકા તથા રાજ્ય ધોરીમાર્ગના વિસ્તારોમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધી, જ્યારે અન્ય વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. નવા સુધારા બાદ આ સમયમર્યાદા દૂર થશે.
24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો
દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે, પરંતુ તેનો અર્થ કર્મચારીઓ પાસેથી સતત કામ લઈ શકાશે એવો નથી. કર્મચારીઓના કામના કલાકો, રજા અને સલામતી સહિતના કાયદાકીય હકોની જોગવાઈ યથાવત્ રહેશે. ગુમાસ્તા કાયદા હેઠળ દુકાનો અને વ્યાવસાયિક એકમોની નોંધણીની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે. હવે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે નોંધણી માટે અરજી કરી શકાશે. નોંધણીની પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ફેરફારથી વેપારીઓને નોંધણી માટે થતી લાંબી સરકારી પ્રક્રિયામાંથી રાહત મળશે.
જમીનમાં નામ ચઢાવવાને લઈને મહત્વનો સુધારો કરાયો
રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડમાં પણ મહત્વનો સુધારો કર્યો છે. ચોક્કસ શરતો પૂરી થતી હોય તેવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના કિસ્સામાં મ્યુટેશન એન્ટ્રી એટલે કે નામચઢતરની કાર્યવાહી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરી શકાશે. હાલમાં જમીનના વ્યવહાર બાદ હિત ધરાવતા લોકોને નોટિસ આપવી અને વાંધા રજૂ કરવા માટે સમય આપવાની પ્રક્રિયાના કારણે નામચઢતરમાં વિલંબ થતો હતો. હવે જે જમીનના સોદામાં કોઈ વિવાદ ન હોય અને નક્કી કરેલી શરતો પૂર્ણ થતી હોય ત્યાં આ પ્રક્રિયા ઝડપી બનશે.
આ સુવિધાનો લાભ લેવા માટે ત્રણ શરતો રાખવામાં આવી છે. વેચાણ દસ્તાવેજ થયાના ઓછામાં ઓછા એક વર્ષ અગાઉથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર થયેલો ન હોવો જોઈએ. રેકોર્ડમાં જે તમામ વ્યક્તિઓના નામ હોય તે તમામે વેચાણ દસ્તાવેજ કર્યો હોવો જોઈએ. સાથે જ વેચાણની તારીખે જમીન અંગે કોર્ટ, ટ્રિબ્યુનલ કે અન્ય સક્ષમ સત્તા સમક્ષ કોઈ વિવાદ કે કાર્યવાહી પેન્ડિંગ ન હોવી જોઈએ.
75 વર્ષ જૂના જમીન વ્યવહારોને પણ મોટી રાહત
સરકારે ‘ટુકડા જમીન ધારા-1947’માં પણ મહત્વનો સુધારો કર્યો છે. 29 જાન્યુઆરી, 1948થી 31 માર્ચ, 2026 દરમિયાન કાયદાની જોગવાઈઓના ભંગ સાથે થયેલા જમીનના વિભાજન અથવા ટ્રાન્સફરના વ્યવહારોને દંડ કે પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારાથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વારસાગત વિભાજનના કારણે બનેલા જમીનના નાના ટુકડાઓના માલિકોને રાહત મળશે. આવા ટુકડાઓ માટે બિનખેતી ઉપયોગની મંજૂરી મેળવવામાં અત્યાર સુધી પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો માર્ગ ખુલશે. આ પ્રકારના વ્યવહારોને લગતા પડતર કેસો રદ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમીન માટે ‘સ્ટાન્ડર્ડ એરિયા’ નક્કી કરવાની સત્તા સરકારને આપવામાં આવશે.
આમ, વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે કરાયેલા સુધારાઓમાં એક તરફ વેપાર-ધંધાના સમય અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ જમીનના સાફ સોદામાં ઝડપી નામચઢતર અને દાયકાઓ જૂના જમીન વ્યવહારોને નિયમિત કરવાનો માર્ગ ખોલવામાં આવ્યો છે.


