Uncategorized

ભાવનગર લઠ્ઠાકાંડમાં પહેલા પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી આવી બહાર, કરાઈ ધરપકડ

લઠ્ઠાકાંડમાં તપાસમાં સામે આવ્યું છે કે, ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો છે.

ભાવનગર લઠ્ઠાકાંડ: ભાવનગરમાં સર્જાયેલા ઝેરી દારૂકાંડની તપાસ હવે વધુ વ્યાપક બની છે. સમગ્ર મામલાની તપાસ માટે SMCની 16 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. ત્યારે તપાસ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવતા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ દારૂકાંડમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે હાલ તેમના પરિવારને રડવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ 61થી વધુ આ નકલી દારૂથી સંક્રમિત બન્યા છે. આ કાંડમાં 21 લોકો સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 37થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. આજે પહેલા પોલીસ કર્મીની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ બેડામાં પણ ખળભળાટ

તપાસમાં સામે આવ્યું છે કે, ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો છે. જેથી આ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી ગૌતમ સાથે આ પોલીસકર્મીના સંબંધો અને સંડોવણી હોવાની પુષ્ટિ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની મિલીભગત કે સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ 

લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. લઠ્ઠાકાંડ કેસમાં SMC એ મધ્યપ્રદેશ અને ભાવનગરમાંથી વધુ 6 આરોપીઓને ઝડપ્યા હતાં. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, તપાસ એજન્સીઓ મુખ્યત્વે મિથેનોલ અને અન્ય કેમિકલ ક્યાંથી મેળવવામાં આવ્યા, કોના મારફતે ગુજરાત પહોંચ્યા અને તેના ટ્રાન્સપોર્ટમાં કોણ સંકળાયેલું હતું તેની વિગતો મેળવવામાં લાગી છે. કેમિકલયુક્ત દારૂ જ્યાં-જ્યાં પહોંચ્યો હતો ત્યાં તેનું ટ્રેસિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. રો-મટિરિયલના સોર્સથી લઈને તેને પહોંચાડનારા ટ્રાન્સપોર્ટરો સુધીની કડી જોડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત અરવિંદ ઉર્ફે પાંડે, સંજય અને નીતિન કિશોર ઉર્ફે પોચો સહિતના આરોપીઓની સપ્લાય ચેઇનમાં મહત્વની ભૂમિકા સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર નેટવર્કમાં હજુ કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
SMC વડા ગગનદીપ ગંભીર આ કેસમાં તપાસ કરી રહ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલા ખાતાકીય તપાસ અંગે SMC વડા ગગનદીપ ગંભીરને સવાલ કરવામાં આવતા તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તપાસ આગળ વધશે તેમ માહિતી આપવામાં આવશે. હાલ વધુ વિગતો આપવાનું ટાળતાં તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે, “કામ ચાલે છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!