Uncategorized
Trending

ઓડિશાથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડાતો 21 કિલો ગાંજો ઝડપાયો

આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત 3 મોબાઇલ ફોન, ₹2,950 રોકડા મળી કુલ ₹10,71,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત: સુરત શહેર પોલીસના “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ શહેર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવી રહેલો આશરે 21.040 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સુરતમાં પ્રવેશે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડી સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત 3 મોબાઇલ ફોન, ₹2,950 રોકડા મળી કુલ ₹10,71,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સામાન્ય મુસાફરો તરીકે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસની નજરથી બચવા માટે તેમણે ટ્રાવેલિંગ બેગમાં ગાંજો ખૂબ જ ચાલાકીથી છુપાવ્યો હતો અને સુરતમાં સપ્લાય પહોંચાડવાનો ઇરાદો રાખ્યો હતો. જોકે, એસ.ઓ.જી.ને મળેલી બાતમી અને સતત વોચના આધારે પોલીસે સમયસર કાર્યવાહી કરીને ટ્રેનમાંથી ઉતર્યા બાદ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઓડિશાના ગંજામથી ગાંજો લાવી સુરત અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવાના ઇરાદે આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હવે આ ગાંજો કોના માટે લાવવામાં આવ્યો હતો, તેનો મુખ્ય સપ્લાયર કોણ છે અને તેની પાછળ કોઈ મોટું આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ઓડિશા આધારિત ડ્રગ્સ નેટવર્કના અન્ય સભ્યો તેમજ સુરતમાં તેમના સંપર્કો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે.
સુરત શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ છેલ્લા કેટલાક સમયથી ગાંજો, એમ.ડી. ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના જથ્થા ઝડપવાની અનેક સફળ કામગીરી બાદ હવે આ કાર્યવાહી પણ ડ્રગ્સ માફિયાઓ માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આગામી દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે અને ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા તમામ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!