Uncategorized
Trending
મૃત સમજી વૃદ્ધને તુલસી-ગંગાજળ આપ્યું, હોસ્પિટલમાં ડૉક્ટરે કહ્યું- ‘આ તો જીવિત છે!’

યુપીના બલિયા જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધના શરીરમાં અચાનક હલનચલન બંધ થઈ ગઈ તો ઘરવાળાઓએ તેમને મૃત માનીને તુલસી-ગંગાજળ આપી દીધું. અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંતિમ આશા સાથે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરે તપાસ કરી તો બધા ચોંકી ગયા.
સ્થાનિક રવીન્દ્ર બાગડેના જણાવ્યા અનુસાર, ગામમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વૃદ્ધ વિશ્વનાથ પાલને એક વખત હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનો વિશ્વનાથને હોસ્પિટલ લઈને પહોંચ્યા કે તરત જ ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે ‘બાબા તો હજુ જીવિત છે.’ જે ઘરમાં શોકની તૈયારી થઈ રહી હતી, ત્યાં અચાનક ખુશી પાછી ફરી. પુત્રે પણ લગભગ આશા છોડી દીધી હતી, પરંતુ પિતાના શ્વાસ ચાલતા જોઈ તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. હવે પુત્ર જિલ્લા હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર કરાવી રહ્યો છે.
‘સારવાર દરમિયાન પિતા જીવિત હોવાનું સામે આવ્યું’
વિશ્વનાથ પાલના પુત્ર દયાશંકર પાલે જણાવ્યું કે, ‘હું ઘરથી બહાર હતો. અચાનક માહિતી મળી કે પિતાજીની બોલચાલ બંધ થઈ ગઈ હતી. હાથ-પગ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઘરે આવીને જોયું તો લોકોની ભીડ એકઠી થઈ હતી. પરિવારજનો રડી રહ્યા હતા. આ બધું જોઈને મન દુઃખી થઈ ગયું હતું. ધીમે-ધીમે વિશ્વાસ થઈ ગયો હતો કે મારા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. પછી હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. પ્રાથમિક સારવાર દરમિયાન પિતા જીવિત હોવાનું સામે આવ્યું તો ખુશીની લહેર દોડી ગઈ.’
‘મોઢામાંથી શબ્દો જ ન નીકળ્યા’
દયાશંકરે કહ્યું, ‘હોસ્પિટલ આવ્યા બાદ જે ખુશી મળી છે, તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. માત્ર તેનો અનુભવ કરી શકાય છે. જ્યારે ડૉક્ટરે અચાનક કહ્યું કે આ તો હજુ જીવિત છે. તે સમયે થોડા સમય સુધી મારા મોઢામાંથી શબ્દો જ ન નીકળ્યા. માત્ર આંખોમાંથી ખુશીના આંસુ વહેતા હતા.’



