Uncategorized
Trending

હવે તો હદ થઈ! બારડોલીમાં 82 વર્ષના વૃદ્ધ ‘ડિજિટલ એરેસ્ટ’; રૂ. 2.96 કરોડની મસમોટી ઠગાઈ

બારડોલીમાં 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાયબર ઠગોએ ₹2.96 કરોડની છેતરપિંડી કરી. બેંક મેનેજરની સતર્કતાથી ફ્રોડનો પર્દાફાશ થયો.

સુરત: બારડોલીમાં 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાઇબર ઠગોએ ડરાવી-ધમકાવી કરોડોની મસમોટી ઠગાઈ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ કરી ગઠિયાઓએ રૂ. 1.22 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 10 વર્ષ સુધી જેલમાં મોકલવાની ધમકી આપી ઘરમાં જ કેદ રાખ્યા હતા અને કટકે કટલે 2.96 કરોડ રૂપિયા છેરવી લીધા હતા. જોકે વધુ પૈસા આપવા વૃદ્ધ તેમની પત્નીની FD તોડાવવાન બેન્ક પહોંચતા, બેન્ક મેનેજરને સાયબર ફ્રોડની શંકા ગઈ હતી, જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે..
મળતી વગતો અનુસાસ, સુરત બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા 82 વર્ષીય નિવૃત્ત પરભુભાઈ પટેલને ગત 8 ઓગસ્ટના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસ અને ડી.એસ.પી. તરીકે આપી હતી. પરભુભાઈના આધારકાર્ડનો ઉપયોગ કરીને કેનેરા બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું છે અને આ ખાતા મારફતે રૂ. 1.22 કરોડનું મની લોન્ડરિંગ થયું હોવાનું કહી તેમને ડરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ સાઇબર ઠગોએ વોટ્સએપ પર બનાવટી એરેસ્ટ વોરંટ તેમજ ઈ.ડી., સી.બી.આઈ. અને બોમ્બે હાઈકોર્ટના નામે ખોટા દસ્તાવેજો મોકલી આપ્યા હતા. ઠગોએ પરભુભાઈને 10 વર્ષ સુધી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમની પત્ની દમયંતીબેનને પણ ‘ડિજિટલ એરેસ્ટ’ કરવાની ધમકી આપવામાં આવી હતી. ભયનો માહોલ ઊભો કરી વૃદ્ધ દંપતીને ઘરમાં જ કેદ રાખવામાં આવ્યા હતા.
ડિજિટલ એરેસ્ટ દરમિયાન ઠગો દર કલાકે પરભુભાઈ પાસે રિપોર્ટિંગ કરાવતા હતા અને તપાસ ચાલી રહી હોવાનું કહી તેમની પાસેથી જુદા-જુદા બેંક ખાતાઓમાં આર.ટી.જી.એસ. મારફતે ટુકડે-ટુકડે કુલ રૂ. 2.96 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ તપાસ પૂર્ણ થયા બાદ તમામ નાણાં પરત આપી દેવાની ખાતરી પણ આપી હતી. જોકે, વધુ નાણાંની માંગણી થતાં પરભુભાઈ પત્ની દમયંતીબેનના નામે કરાવેલી એફ.ડી. તોડાવવા બેંક પહોંચ્યા હતા. આ દરમિયાન બેંક મેનેજરને સમગ્ર મામલે શંકા ગઈ હતી.
બાદમાં આ મામલે મેનેજરે એફ.ડી. તોડવાની ના પાડી પરભુભાઈને તમારી સાથે સાઇબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું હતું અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. બેંક મેનેજરની સતર્કતાના કારણે સમગ્ર સાઇબર ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે બારડોલી ટાઉન પોલીસ મથકમાં પી.આઈ. વી.એ. સંગલે દ્વારા આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા બારડોલી પંથકમાં ચર્ચા શરૂ થઈ છે.. બનાવે ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ, સીબીઆઈ, ઈડી કે કોર્ટના નામે કોઈ વ્યક્તિ ફોન કે વીડિયો કોલ મારફતે ‘ડિજિટલ એરેસ્ટ’ કરી શકતી નથી. આવા કોઈ ફોન આવે તો ગભરાયા વગર પરિવારજનો અને પોલીસને જાણ કરવી જરૂરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!