Uncategorized

NRIના બેંક લોકરમાંથી 45 તોલા દાગીના ગાયબ!:18 તારીખે દીકરીના લગ્ન હોઈ, વડોદરાની કોસમોસમાં દાગીના લેવા ગયા હતા, જાણો બેંક લોકરના નિયમો

NRI

સોનાની લગડી, સિક્કા સહિત દાગીનાની ચોરી થયાની રજૂઆત. - Divya Bhaskar
સોનાની લગડી, સિક્કા સહિત દાગીનાની ચોરી થયાની રજૂઆત.

અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે. ખાતેદારનું માનીએ તો 2024માં તેમણે સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા, જેમાં આજે ચેક કરતાં ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા એ ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બેંક લોકરમાં દાગીના ચોરી થયાની વાત ફેલાતાં અન્ય ખાતાધારકો પણ પોતાના લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી હોઈ, બેંકના બ્રાન્ચ મેનેજરે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

બેંક લોકરમાં મૂકેલું 45 તોલા સોનું ગાયબ થયાની NRIની ફરિયાદ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસમોસ કો-ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા. તેમના 1212A નંબરના લોકરમાં 45 તોલા સોનાના દાગીના મૂકેલા હતા. આજે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહ તેમનાં પત્ની સાથે બેંકના લોકર માંથી દાગીના કઢાવવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતાં તેમને શંકા ગઈ હતી. લોકરની પેટી ખોલીને જોતાં સોના- ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં હોવાનું જણાયું હતું. બેન્ક લોકરમાંથી દાગીની ચોરી થયાની ઘટના અંગે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસ દોડી ગઈ હતી અને બાપોદ પોલીસે બેંકમાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

બેંક લોકરમાંથી દાગીનાની ચોરીની જાણ થતાં અન્ય ગ્રાહકો પણ લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા.
બેંક લોકરમાંથી દાગીનાની ચોરીની જાણ થતાં અન્ય ગ્રાહકો પણ લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા.

 

18 તારીખે દીકરીના લગ્ન હોઈ, પરિવાર દાગીના લેવા બેંક પર ગયો હતો ફરિયાદી નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે મેં 2024માં કોસમોસ બેંકની વાઘોડિયા રોડ શાખામાં મારું લોકર અને એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારે બેંક દ્વારા શરત રાખવામાં આવી હતી કે જો હું ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરું તો જ મને લોકર ફાળવવામાં આવશે. મેં FD કરાવી અને લોકરમાં મારા તમામ સોનાના દાગીના મૂક્યા હતા. ત્યાર બાદ હું અમેરિકા ગયો હતો. મારી દીકરીના લગ્ન હોવાથી હું અમેરિકાથી વડોદરા આવ્યો હતો. આજે હું અને મારી પત્ની લોકર ખોલવા ગયાં, ત્યારે જેવું લોકરનું બારણું ખોલ્યું કે તરત જ મારી પત્નીને શંકા ગઈ કે આમાં કોઈ છેડછાડ થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે તપાસ કરતાં માલૂમ પડ્યું કે સોનાના તમામ દાગીના ગાયબ હતા. અંદર દાગીના રાખવાની જે પેટી હોય એને મારેલું તાળું પણ ત્યાં નહોતું. કુલ 45 તોલા સોનાના દાગીના હતા. હું તો કંઈ રોજ બેંકમાં આવતો નથી. આ બાબતે બેંકના અધિકારીઓને જ ખબર હોય કે શું થયું છે. હું છેલ્લાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો છું. હું વારંવાર અહીં આવતો રહું છું. અગાઉ મારું લોકર બેંક ઓફ બરોડાની માંડવી શાખામાં હતું, પરંતુ ત્યાં આગ લાગવાની ઘટના બાદ અમારે લોકર અહીં શિફ્ટ કરવું પડ્યું હતું. આગામી 18 તારીખે મારી દીકરીના લગ્ન છે, તેથી અમે આજે દાગીના લેવા માટે આવ્યાં હતાં ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.

લોકરમાં રાખેલા ચાંદીના દાગીના છોડી દેવાયા, ફક્ત સોનાની જ ચોરી તેમણે કહ્યું હતું કે બેંકવાળા તો હાથ ઊંચા કરી રહ્યા છે. તેઓ કહે છે કે અમને કંઈ ખબર નથી, તમે શું મૂક્યું હતું, એની અમને જાણ નથી હોતી. તેઓ તો એવું પણ કહી રહ્યા છે કે તમે ઘરે દાગીના રાખીને ખોટું બોલતા હોવ તો? પરંતુ મારી પાસે દરેક દાગીનાનું વિગતવાર લિસ્ટ છે. કયા બોક્સમાં કે કયા પાઉચમાં કઈ વસ્તુ છે, કોણે ગિફ્ટ આપી છે. એ બધી જ વિગતો મારી પાસે છે, જેમાં સોનાની લગડી, 10 સોનાના સિક્કા, બંગડીઓ, બુટ્ટી, નેકલેસ, લકી અને બ્રેસ્લેટ જેવી વસ્તુઓ સામેલ હતી. તેમણે ઉમેર્યું હતું કે ચોર બહુ હોશિયાર હતો. તેણે ચાંદીના દાગીનાને હાથ પણ નથી લગાડ્યો, માત્ર સોનાની જ ચોરી કરી છે. મેં બે વર્ષ પછી આજે જ લોકર ખોલ્યું હતું અને આ આઘાતજનક વિગતો સામે આવી છે.

લોકરમાં ચોરીની વાત ફેલાતાં અન્ય ગ્રાહક પણ પોતાના લોકર ચેક કરવા પહોંચ્યા ગ્રાહક બંકિમભાઈએ જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ પર કોસમોસ બેંકમાં લોકરમાંથી ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. મારું પણ લોકર રહ્યું હોવાથી હું ચેક કરવા આવ્યો છું. હજુ મારો વારો નથી આવ્યો. મારો 13મો નંબર છે. મારાં પત્ની આવી જાય એટલે અમે સાથે મળીને લોકર ચેક કરીશું. લોકરમાંથી ચોરી થાય તો ડર તો લાગે જ ને.

ગ્રાહક નિપાબેને જણાવ્યું હતું કે અત્યારે મમ્મીનો ફોન આવ્યો એટલે હું અહીં આવી છું. મારી મમ્મીનું લોકર અહીં છે, તેના માટે હું આવી છું. અમને મેસેજ મળ્યો હતો કે આ બેંકના લોકરમાં કંઈક થયું છે, તો તમે લોકો આવી જાઓ. એટલે અમે અત્યારે અહીં જોવા માટે આવ્યા છીએ. હજુ અંદર જઈને જોવું પડશે, અત્યારે અમારો નંબર આવ્યો નથી. અમે લાઇનમાં જ છીએ.

તપાસ ચાલુ હોવાથી બ્રાન્ચ મેનેજરનો ટિપ્પણી કરવાનો ઈનકાર ધી કોસમોસ કો-ઓપરેટિવ બૅન્ક બ્રાન્ચ મેનેજર ઋતુલ સંઘવીએ જણાવ્યું હતું કે અત્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. હાલ અમે આ વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી શકીએ નહીં. આ સંવેદનશીલ બાબત છે. અમારી બેંક ઓથોરિટીની પરવાનગી વગર હું અત્યારે કોઈ જ નિવેદન આપી શકું એમ નથી.

NRIની રજૂઆત બાદ પોલીસે તપાસ હાથ ધરી આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનન પીઆઇ એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે સિનિયર સિટિઝને બેંકના લોકરમાં ચોરી થઈ હોવાની રજૂઆત કરતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!