Uncategorized
Trending
બનાસકાંઠામાં ખેડૂતને જમીન ખરીદવી મોંઘી પડી! 1.8 કરોડ લઈ જમીન માલિક-દલાલ રફૂચક્કર

બનાસકાંઠા દાંતીવાડા વાઘરોળમાં ખેડૂત સુરેશભાઈ સાંખલાથી જમીન સોદામાં 1.08 કરોડની છેતરપિંડી, 7 સામે ગુનો, કલ્પેશ કક્કલભાઈ ગોટાતર ધરપકડ, અન્ય ફરાર
બનાસકાંઠા: દાંતીવાડા તાલુકામાં જમીનના સોદાના નામે એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાંતીવાડાના વાઘરોળ ગામના ખેડૂત સુરેશભાઈ સાંખલા સાથે 2 કરોડ 16 લાખ રૂપિયામાં થયેલા જમીનના સોદામાં જમીન માલિકો અને દલાલોએ મળીને રૂપિયા 1 કરોડ 8 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા હડકંપ મચ્યો છે. ખેડૂતને વિશ્વાસમાં લેવા માટે મામલતદાર કચેરીમાં કાયદા વિરુદ્ધ નોંધ પડાવવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે દાંતીવાડા પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 1 શખ્સની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામના ખેડૂત સુરેશભાઈ સાંખલાએ પોતાના સાથે થયેલી જમીન છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આંત્રોલી ગામના જમીન માલિકો અને જમીન દલાલોએ મળીને વાઘરોળ ગામની જમીન વેચવાનો ફરિયાદી ખેડૂતો સાથે સોદો કર્યો હતો. ફરિયાદમાં જમીન માલિક જબાબેન કક્કલભાઈ ગોટાતર, કલ્પેશભાઈ કક્કલભાઈ ગોટાતર, રાહુલભાઈ કક્કલભાઈ ગોટાતર તેમજ જમીન દલાલ ઈશ્વરભાઈ જીવાભાઈ રબારી, બાબુભાઈ દેવકણભાઈ રબારી, મહાદેવ અને અન્ય એક ઇસમ સહિત કુલ 7 આરોપીઓ સામે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આરોપ મુજબ વાઘરોળ ગામની જમીનનો સોદો ફરિયાદી ખેડૂત સાથે કુલ 2 કરોડ 16 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો. જમીન ખરીદનાર સુરેશભાઈ સાંખલાને વિશ્વાસમાં લેવા માટે મામલતદાર કચેરીમાં કાયદા વિરુદ્ધ નોંધ પણ પડાવવામાં આવી હતી. આ નોંધ અને બાનાખતના આધારે સુરેશભાઈ સાંખલાએ સોદાની કુલ કિંમતના આશરે 50 ટકા જેટલી રકમ, એટલે કે રૂપિયા 1 કરોડ 8 લાખ 41 હજાર તબક્કાવાર ચૂકવ્યા હતા. જોકે જમીનના દસ્તાવેજ કરવાની વેળા આવતાં વેચનાર પક્ષ હાજર રહ્યો ન હતો અને બાદમાં સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું બહાર આવ્યું હતું.

પીડિત ખેડૂતનો આક્ષેપ છે કે કરોડો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં તેમને જમીન મળી નથી અને ચૂકવેલી રકમ પણ પરત કરવામાં આવી નથી. વધુમાં સમગ્ર પ્રકરણમાં મામલતદાર કચેરીની કામગીરી અને એક અધિકારીની ભૂમિકા પણ શંકાના ઘેરામાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે દાંતીવાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાલ આ કેસમાં કલ્પેશ કક્કલભાઈ ગોટાતરની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે જ્યારે જબાબેન કક્કલભાઈ ગોટાતર, રાહુલ કક્કલભાઈ ગોટાતર, ઈશ્વર જીવાભાઈ રબારી રહે. વાઘરોળ, બાબુ દેવકણભાઈ રબારી અને મહાદેવ જીવાભાઈ રબારી તેમજ એક અન્ય આરોપી હાલમાં ફરાર છે, જેઓને પકડવા પોલીસે હાલ અલગ અલગ ટીમો બનાવી આ તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (ફોટો: ફરિયાદી ખેડૂત સુરેશભાઈ સાંખલા)




