Uncategorized
Trending

25 લાખના દેવામાં એરફોર્સ અધિકારીએ અમદાવાદમાં 1.5 કરોડના દાગીના લૂંટ્યા, આરોપીનો હાઈટેક પ્લાન તોડવામાં પોલીસને 2 વર્ષ લાગી ગયા

આરોપી એટલો શાતિર હતો કે પોલીસ પકડથી બચવા માટે તેણે તમામ તકેદારી રાખી હતી. લૂંટના સમયે તે પોતાનો મોબાઈલ હરિયાણામાં પત્ની પાસે જ મૂકીને આવ્યો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ન થાય.

 

khadia jewelry loot case: શહેરના કાયદા અને વ્યવસ્થાના ઇતિહાસમાં ચકચારી બનેલી ખાડિયા વિસ્તારની દોઢ કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ અને ફાયરિંગના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે બે વર્ષ બાદ મોટી સફળતા મળી છે. હાઈટેક અને શાતિર રીતે આચરવામાં આવેલી આ લૂંટનો મુખ્ય સૂત્રધાર બીજો કોઈ નહીં પરંતુ દેશની સરહદોની રક્ષા કરતો એરફોર્સનો એક સક્રિય જવાન નીકળ્યો છે.

બે વર્ષ પહેલાં ફાયરિંગ કરીને ₹1.5 કરોડના દાગીનાની લૂંટ ચલાવી હતી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિલ્હી ખાતે કોર્પોરલની પોસ્ટ પર ફરજ બજાવતો આરોપી દીપક ભૂકેર ક્રિકેટ કે અન્ય સટ્ટો રમવાની ટેવ ધરાવતો હતો. સટ્ટાના રવાડે ચડેલા દીપક પર ટૂંક જ સમયમાં ₹25 લાખનું મસમોટું દેવું થઈ ગયું હતું. આ દેવામાંથી મુક્તિ મેળવવા માટે તેણે ફતાશાની પોળમાં આવેલી જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને લૂંટનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો અને બે વર્ષ પહેલાં ત્યાં ફાયરિંગ કરીને ₹1.5 કરોડના દાગીનાની લૂંટ ચલાવી હતી.

આરોપીએ 15 લાખની મત્તા સાથે રિવોલ્વર પણ ચોરી લીધી

આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે લૂંટ અને ફાયરિંગ માટે વપરાયેલી રિવોલ્વર પણ ચોરીની હતી. જામનગરમાં રહેતા એરફોર્સના એક નિવૃત્ત અધિકારીએ અગાઉ દીપક વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ કર્યો હતો, જેમાં દીપકને એક વર્ષની સજા પણ થઈ હતી. આ અદાવત રાખીને દીપકે તે નિવૃત્ત અધિકારીના ઘરેથી ₹15 લાખની મત્તા સાથે આ લાઇસન્સવાળી રિવોલ્વરની ચોરી કરી હતી.

લોકેશન ટ્રેસ ન થાય તે માટે ફોન પત્ની પાસે જ મૂકીને ફરતો હતો

ગુનાહિત ઇતિહાસ ધરાવતા દીપક સામે અગાઉ પ્રોહિબિશન અને ચેક બાઉન્સના કેસો પણ નોંધાઈ ચૂક્યા છે. તે જ્યારે ગેરકાયદેસર દારૂની સપ્લાય કરતો ત્યારે પોલીસથી બચવા પોતાની પત્ની અને બાળકોને પણ સાથે રાખતો હતો. આરોપી એટલો શાતિર હતો કે પોલીસ પકડથી બચવા માટે તેણે તમામ તકેદારી રાખી હતી. લૂંટના સમયે તે પોતાનો મોબાઈલ હરિયાણામાં પત્ની પાસે જ મૂકીને આવ્યો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ન થાય.

પોલીસે કડીઓ જોડી આરોપીને ઝડપી હાઈ પ્રોફાઈલ ગુનાનો પર્દાફાશ કર્યો

હથિયાર પર ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે તેણે આંગળીઓ પર ટેપ લગાવી હતી, મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને અવારનવાર કપડાં તેમજ બૂટ બદલતો રહેતો હતો. અમદાવાદની હોટલમાં રોકાવા માટે તેણે ખોટું આધારકાર્ડ આપ્યું હતું. જોકે, ગુનાના CCTVમાં દેખાયેલી રિવોલ્વરના ચોક્કસ મોડેલ અને ઓળખના આધારે પોલીસ કડીઓ જોડતી જોડતી છેક દિલ્હી સુધી પહોંચી અને આ હાઈ-પ્રોફાઈલ ગુનાનો પર્દાફાશ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!