Uncategorized
Trending
ખેડૂતોને મોટી રાહત: આ જિલ્લામાં 1 જુલાઈથી શરૂ થઈ 16 નવી તાલુકા કક્ષાની ILR કચેરીઓ
રાજકોટ જિલ્લાના ખેડૂતો અને મિલકતધારકો માટે જમીન મહેસૂલ અને માપણી સંબંધિત કામગીરીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન માપણી, રિ-સરવે સુધારણા, પ્રોપર્ટી કાર્ડ મેળવવા કે હક્ક ચોકસી જેવા કામો માટે હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજકોટ શહેરની જિલ્લાકક્ષાની મુખ્ય કચેરી સુધી લાંબા થવાની કે ધક્કા ખાવાની જરૂર નહીં રહે. 1 જુલાઈથી જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ 16 નવી ILR (જમીન દફતર નિરીક્ષક) કચેરીઓ વિધિવત રીતે કાર્યરત કરી દેવામાં આવી છે, જેનાથી અરજદારોનો સમય, મુસાફરીનો ખર્ચ અને વચેટીયાઓનો ત્રાસ બચશે.
રાજકોટ: જમીન માપણી, રિ-સરવે, પ્રોપર્ટી કાર્ડ અથવા હક્ક ચોકસી જેવી જમીન સંબંધિત કામગીરી માટે હવે રાજકોટ જિલ્લાના ખેડૂતોને જિલ્લાકક્ષાની કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. રાજ્ય સરકારના નિર્ણય બાદ 1 જુલાઈથી તાલુકા કક્ષાએ 16 જમીન દફતર નિરીક્ષક (ILR) કચેરીઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે મોટાભાગની કામગીરી પોતાના તાલુકામાં જ થઈ શકશે.
રાજકોટ જિલ્લાના ખેડૂતો અને જમીનધારકો માટે જમીન સંબંધિત સેવાઓ હવે વધુ સરળ અને સુલભ બની છે. જિલ્લાકક્ષાએ ચાલતી જમીન દફતર ખાતાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકા કક્ષાએ 16 નવી ILR કચેરીઓ શરૂ કરવામાં આવી છે. હવે અરજદારોને નાના-મોટા કામ માટે રાજકોટ શહેરની જિલ્લાકક્ષાની કચેરી સુધી જવાની જરૂર નહીં રહે.
નવી વ્યવસ્થા હેઠળ રિ-સરવે સુધારણા, જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ મેળવવું, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા નોંધાવવી, સ્વામિત્વ યોજના તેમજ એકત્રીકરણ યોજના સહિતની તમામ કામગીરી તાલુકા કક્ષાએ જ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોનો સમય બચશે, મુસાફરીનો ખર્ચ ઘટશે અને સરકારી સેવાઓ વધુ ઝડપથી મળી શકશે. રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશ બાદ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે ILR કચેરીઓના સ્થળ પણ નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર (પૂર્વ) માટેની કચેરી બીજા માળે, સરવે ભવન, જામનગર રોડ ખાતે શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર (પશ્ચિમ) માટે પ્રથમ માળ, પશ્ચિમ મામલતદાર કચેરી, કાલાવડ રોડ ખાતે કચેરી કાર્યરત છે. રાજકોટ શહેર (દક્ષિણ) માટે દક્ષિણ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર, ગોંડલ રોડ ખાતે સેવા આપવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે પ્રથમ માળ, સરવે ભવન, જામનગર રોડ ખાતે કચેરી શરૂ કરવામાં આવી છે. કોટડાસાંગાણી તાલુકાની કચેરી તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં કાર્યરત છે. લોધિકા તાલુકા માટે તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં ILR કચેરી શરૂ કરવામાં આવી છે.
પડધરીમાં જૂની તાલુકા પંચાયત કચેરી સામે, સ્ટાફ ક્વાર્ટરની બાજુમાં કચેરી શરૂ કરવામાં આવી છે. જસદણમાં પ્રથમ માળ, તાલુકા સેવા સદન ખાતે કચેરી કાર્યરત છે. વીંછિયા તાલુકા માટે તાલુકા સેવા સદન ખાતે કચેરી શરૂ કરવામાં આવી છે. ગોંડલ શહેર માટે પ્રથમ માળ, તાલુકા સેવા સદન, 21 સ્ટેશન પ્લોટ ખાતે કચેરી શરૂ કરવામાં આવી છે. ગોંડલ ગ્રામ્ય માટે બીજા માળે, તાલુકા સેવા સદન, 21 સ્ટેશન પ્લોટ ખાતે સેવા મળશે. જેતપુર શહેર માટે બીજા માળે, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ ખાતે કચેરી કાર્યરત છે. જેતપુર ગ્રામ્ય માટે ત્રીજા માળે, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ ખાતે કચેરી શરૂ કરવામાં આવી છે. ધોરાજી માટે બીજા માળે, મહેસૂલ સેવા સદન, ગેલેક્સી ચોક ખાતે કચેરી કાર્યરત છે. ઉપલેટા માટે રાણીંગા હુન્નર શાળા, સરદાર પટેલ રોડ, જીનમિલ ચોક પાસે ILR કચેરી શરૂ કરવામાં આવી છે. જામકંડોરણા માટે જૂનું કોર્ટ બિલ્ડિંગ કમ્પાઉન્ડ, કાલાવડ રોડ ખાતે કચેરી શરૂ કરવામાં આવી છે.



