Uncategorized
Trending
અમદાવાદમાં કળિયુગી મામાને આજીવન કેદ: 13 વર્ષની માસૂમ ભાણીને ગર્ભવતી બનાવી, DNA ટેસ્ટથી ભાંડો ફૂટ્યો

Ahmedabad POCSO Case: વર્ષ 2020માં રાણીપમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેને ગર્ભવતી બનાવનાર બીજું કોઈ નહીં સગીરાનો સગો મામા જ નીકળ્યો છે. કોર્ટે આરોપી દોષિત સાબિત થતાં તેને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કર્યો છે.
અમદાવાદ: શહેરમાં મામા અને ભાણીના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. માત્ર 13 વર્ષની સગીર ભાણી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેનાર પાપી મામાને કોર્ટે દોષિત ઠેરવીને મરણ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. પોક્સો એક્ટ અને IPC હેઠળ નોંધાયેલા આ કેસમાં વૈજ્ઞાનિક પુરાવા અને DNA રિપોર્ટ આરોપીની ગુનાહિતતા સાબિત કરવામાં નિર્ણાયક પુરવાર થયા હતા.
નાના ભાઈને બહાર મોકલી મામા ભાણી સાથે કુકર્મ કરતો
આ કમકમાટીભરી ઘટના વર્ષ 2020માં અમદાવાદના રાણીપ વિસ્તારમાં સામે આવી હતી. પીડિત સગીરા પોતાની માતા અને નાના ભાઈ સાથે રહેતી હતી, જ્યારે 30 વર્ષીય આરોપી (પીડિતાની માતાનો પિતરાઈ ભાઈ) સંબંધમાં મામા થતો હોવાથી છેલ્લા દોઢ વર્ષથી આ જ પરિવાર સાથે આશરો લઈ રહ્યો હતો. જ્યારે સગીરાની માતા રાત્રિના સમયે મજૂરી કે કામ અર્થે બહાર જતી, ત્યારે નરાધમ મામા તેના નાના ભાઈને કોઈને કોઈ બહાને ઘરની બહાર મોકલી દેતો હતો. ત્યારબાદ એકલતાનો લાભ ઉઠાવી, સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે વારંવાર તેની હવસનો શિકાર બનાવતો હતો.
હોસ્પિટલમાં સગીરા 21 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ખુલાસો થયો
લાંબા સમય સુધી ચાલેલા આ શારીરિક અત્યાચારને કારણે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પેટમાં અસામાન્ય ફેરફાર થતાં જ્યારે તબીબી તપાસ કરાવવામાં આવી, ત્યારે હોસ્પિટલના રિપોર્ટમાં સગીરા 21 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ આગ્રહપૂર્વક પૂછપરછ કરતાં જ ડરી ગયેલી પુત્રીએ નરાધમ મામાની કાળી કરતૂતોની સમગ્ર આપવીતી કહી સંભળાવી હતી.
કેસને સચોટ સાબિત કરવા માટે 19 સાક્ષીઓની જુબાની લેવાઈ
જે બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પીડિતાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટની વિશેષ મંજૂરી મેળવીને તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા મજબૂત દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કેસને સચોટ સાબિત કરવા માટે 19 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી, તેમજ 40 જેટલા દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
બ્લડ સેમ્પલ મેચ થતાં આરોપી જ ગર્ભનો જૈવિક પિતા સાબિત થયો
આ કેસમાં સૌથી મજબૂત કડી FSLનો DNA રિપોર્ટ બન્યો હતો. ગર્ભપાત દરમિયાન મેળવાયેલા ગર્ભના નમૂના અને આરોપીના બ્લડ સેમ્પલ વચ્ચે મેચિંગ થતાં વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું કે આરોપી જ તે ગર્ભનો જૈવિક પિતા હતો. માનનીય કોર્ટે તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખતા પોતાના ચુકાદામાં આકરી ટિપ્પણી કરી હતી કે, આરોપીએ પવિત્ર પારિવારિક સંબંધ અને વિશ્વાસનો ક્રૂરતાપૂર્વક દુરુપયોગ કર્યો છે. 13 વર્ષની માસૂમ બાળકી પર થયેલા માનસિક અને શારીરિક અત્યાચારને ગંભીર ગણીને કોર્ટે આરોપીને કોઈ પણ પ્રકારની દયા વગર આજીવન કેદની સજા અને કાયદા મુજબના દંડનો આદેશ કર્યો છે.



