Uncategorized
Trending
દાહોદમાં માત્ર 9 કલાકમાં ઊભી કરી નકલી બેંક, રૂ. 28.60 લાખના 200 ગ્રામ સોનાની ફિલ્મી સ્ટાઈલમાં ઠગાઈ

દાહોદમાં ભાડે ઓફિસ લઈ નકલી બેંકનું સેટઅપ ઉભું કરી જ્વેલરને રથયાત્રામાં સોનું દાનના બહાને બોલાવી રૂ. 28.60 લાખના 200 ગ્રામ સોનાની ઠગાઈ કરાઈ. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી.
દાહોદ: જિલ્લામાં ફિલ્મોની કહાનીને ટક્કર મારે તેવી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠગ ટોળકીએ ભાડે ઓફિસ લઈને માત્ર 9 કલાકમાં નકલી બેંકનું સંપૂર્ણ સેટઅપ તૈયાર કર્યું, ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવ્યા અને ત્યારબાદ રથયાત્રામાં સોનું દાન કરવાના બહાને જ્વેલરને બોલાવી રૂ. 28.60 લાખના 200 ગ્રામ સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગઈ. સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રથયાત્રામાં સોનું દાન કરવાનું કહી વિશ્વાસ જીત્યો – પોલીસ ફરિયાદ મુજબ, 15 જુલાઈએ દાહોદના નેતાજી બજાર સ્થિત મહાવીર જવેલર્સ ખાતે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે રથયાત્રામાં સોનું દાન કરવાનું હોવાનું કહી પોતાનો મેનેજર સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે ફોન કરીને જવેલર્સને ગોધરા રોડ પર આવેલી લેન્ડમાર્ક બિલ્ડિંગના ત્રીજા માળે બનાવાયેલી કથિત ‘ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’માં 200 ગ્રામ સોનું લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું.

લોકરમાંથી રૂપિયા લાવવાના બહાને થયો ફરાર – મહાવીર જવેલર્સના પ્રતિનિધિ જય રાકેશકુમાર ગાંધી 10 ગ્રામ અને 50 ગ્રામના મળી કુલ 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બેંક પહોંચ્યા હતા. ઠગે સોનાના બિસ્કિટ લઈને લોકરમાંથી રૂપિયા લાવવાનું કહી એક લોક કરેલી બેગ બતાવી હતી. ત્યારબાદ બાકીની રકમ નાની ચલણી નોટોમાં હોવાનું કહી ફરી અંદર ગયો અને પહેલેથી તૈયાર કરાયેલા બીજા દરવાજા મારફતે નીચે ઉતરી બાઈક પર ફરાર થઈ ગયો.

માત્ર 9 કલાકમાં ઊભી કરી દીધી નકલી બેંક – પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુમિત 13 જુલાઈએ દાહોદ આવ્યો હતો. તેણે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં ત્રણ દુકાનો ભાડે લીધી હતી અને એક વર્ષનું એડવાન્સ ભાડું ચેકથી ચૂકવી માલિકનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફર્નિચર, કોમ્પ્યુટર, પંખા, લાઇટ સહિતનો સામાન પણ ચેકથી ખરીદ્યો અને મજૂરોની મદદથી માત્ર નવ કલાકમાં આખી બેંકનો દેખાવ તૈયાર કરી દીધો હતો. રથયાત્રાના દિવસે બેંકોમાં રજા હોવાથી આપેલા ચેક ક્લિયર થયા નહોતા. આ સમયગાળામાં ઠગ ટોળકીએ પોતાની યોજના અમલમાં મૂકી હતી.

ઇન્ટરવ્યૂના બહાને નકલી સ્ટાફ બેસાડ્યો – કોઈને શંકા ન જાય તે માટે ઠગ ટોળકીએ બેંકમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ પણ ગોઠવ્યા હતા. મહિલા અને પુરુષ મળી લગભગ 10 ઉમેદવારોને કોમ્પ્યુટરની સામે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે જવેલર્સ બેંકમાં પહોંચ્યા ત્યારે તેમણે આ ઉમેદવારોને જ બેંકના કર્મચારીઓ સમજી લીધા અને ઠગ ટોળકીની ચાલમાં ફસાઈ ગયા. (પ્રતિકાત્મક તસવીર).

અસલી બેંકના નામનો દુરુપયોગ – તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગોએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામ સાથે GST નંબર અને PAN જેવી વિગતોનો ઉપયોગ કરીને નકલી શાખા ઉભી કરી હતી. હાલ પોલીસને ત્રણ શંકાસ્પદ લોકો અંગે માહિતી મળી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

