Uncategorized
Trending
અમદાવાદ પોકસો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતા અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા ગણશે

અમદાવાદ સ્પેશિયલ પોકસો કોર્ટે સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પિતાને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
અમદાવાદ: સમાજને કલંકિત કરતી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે એક ઐતિહાસિક અને કડક ચુકાદો સંભળાવ્યો છે. પોતાની જ સગીર દીકરી પર હથિયારના જોરે વારંવાર દુષ્કર્મ આચરનાર સગા પિતાને કોર્ટે દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને થયેલી અસહ્ય શારીરિક અને માનસિક પીડાને ધ્યાનમાં રાખીને ₹7 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.
મિત્ર સાથે વાત કરતી હોવાની જાણ થતાં પિતાએ દીકરીને માર માર્યો
આ ચકચારી કેસની વિગત એવી છે કે, વર્ષ 2024માં અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા વિરુદ્ધ IPC અને પોકસો એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પીડિતાની માતા આશરે આઠ વર્ષ પહેલાં ઘર છોડીને જતી રહી હોવાથી તે પોતાના મજૂરી કામ કરતા પિતા અને ભાઈ-બહેન સાથે રહેતી હતી. પીડિતા જ્યારે ધોરણ-10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે એક મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતી હોવાની જાણ પિતાને થતા પ્રથમ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
તીક્ષ્ણ હથિયારનો ભય બતાવી પિતાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું
સગીરાને ઢોર માર માર્યા બાદ તે જ રાત્રે ધાબે સૂવા ગયેલી સગીરાને નીચે બોલાવી, દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારનો ભય બતાવીને પિતાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ પિતાએ દીકરીને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને પણ વાત કરશે તો તેને જાનથી મારી નાખશે અને સમાજમાં બદનામ કરી દેશે. આ ડરના કારણે પિતા અવારનવાર દીકરીનું શારીરિક શોષણ કરતો રહ્યો અને પીડિતા લાંબા સમય સુધી મૌન રહી.
સાક્ષી અને 22 પુરાવા રજૂ કરી કોર્ટ સમક્ષ ગુનો સાબિત કર્યો
આખરે ભયના ઓથારમાંથી બહાર આવીને સગીરાએ આ આપવીતી પોતાના એક મિત્રને જણાવી હતી અને હિંમત એકઠી કરીને વટવા પોલીસ મથકમાં નરાધમ પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાલીન સમયે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને મજબૂત વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કમલેશ જી. જૈને ધારદાર દલીલો કરી હતી. તેમણે મહત્વના સાક્ષીઓ અને 22 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો.
ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થાય તેવી કડક સજા કરવા અપીલ કરી
સરકારી પક્ષે એવી દલીલ કરી હતી કે, પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનારા આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થાય તેવી કડક સજા થવી અનિવાર્ય છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ, સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એ.બી. ભટ્ટે આરોપી પિતાને તકસીરવાન ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી
કોર્ટે માનવતા મરી પરવારી હોય તેવા આ કૃત્ય માટે આરોપીને મૃત્યુ સુધી જેલમાં રાખવાનો આદેશ કરવાની સાથે ₹20 હજારનો દંડ પણ ફટકાર્યો છે. બાળકીઓ વિરુદ્ધ થતા જાતીય ગુનાઓ સામે કાયદાનો આકરો કોરડો વીંઝતો આ નિર્ણય કાનૂની ક્ષેત્રે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

