Uncategorized
Trending

બર્થડે પાર્ટી બાદ મોતઃ 250KMની સ્પીડે ભાગતી BMWનો સર્જાયો ભયાનક અકસ્માત, મૃતદેહના ટુકડે-ટુકડા થઈ ગયા

Mumbai BMW Accident: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 2 યુવકોના કમકમાટીભર્યા મોત થયા છે. બર્થડે પાર્ટી બાદ ડ્રાઈવ પર નીકળેલા યુવકે BMW કાર ફુલ સ્પીડમાં ભગાવતા આ અકસ્માત સર્જાયો હતો.

BMWનો ભયાનક અકસ્માત
                            BMWનો ભયાનક અકસ્માત
Mumbai BMW Accident: ‘ઝડપની મજા, મોતની સજા’ વાક્ય દરેકે વાંચ્યું હશે પણ તેને વાસ્તવિક જીવનમાં ઘણા લોકો ઉતારતા નથી. જેના કારણે તેઓ પોતાનો તો જીવ જોખમમાં મૂકે જ છે, સાથે-સાથે તેઓ અન્ય રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂકે છે. ત્યારે આવો જ એક બનાવ મુંબઈ-વડોદરા હાઈવે પરથી સામે આવ્યો છે, આ ભયાનક અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં રવિવારે સર્જાયેલા અકસ્માતમાં બર્થ-ડે પાર્ટી બાદ ડ્રાઈવ પર નીકળેલા બે મિત્રાના મોત થયા છે. દુર્ઘટનાની જે તસ્વીરો સામે આવી છે, તેમાં લક્ઝરી કાર BMW ભાંગીને ભૂક્કો થઈ ગયેલી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે કાર 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધારેની સ્પીડથી દોડી રહી હતી.

ડિવાઈડર સાથે અથડાઈને કાર પલટી મારી ગઈ

પોલીસે જણાવ્યું કે, કાર ચાલક BMW કારને ફુલ સ્પીડમાં ભગાવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર સાથ અથડાઈ અને પછી પલટી મારી ગઈ. આ દુર્ઘટનામાં 2 યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે 4 વાગ્યે મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બદલાપુર નજીક સર્જાઈ હતી.

2 યુવકોના મોત, 1 યુવકને ગંભીર ઈજા

મૃતકોની ઓળખ બદલાપુરના યોગેશ દીઘે (26) અને રિકેબા જેકબ (24) તરીકે થઈ છે. કારમાં સવાર ત્રીજો યુવક આનંદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની સારવાર ઠાણેની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યોગેશ દીઘેનો જન્મદિવસ હતો. તેણે બદલાપુર વેસ્ટમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી, જે પછી આ અકસ્માત થયો.

કારની સ્પીડ ઘણી વધારે હતી

પોલીસે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ફુલ સ્પીડમાં ભગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન તે પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ચાલકે કાર પર કાબૂ ગુમાવ્યો. ત્યારબાદ કાર પલટી મારી ગઈ. ઇન્સ્ટાગ્રામ લાઈવમાંથી મળેલી એક તસવીરમાં સ્પષ્ટ થાય છે કે અકસ્માત પહેલાં BMW 251 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી.

પોલીસે કહ્યું- વધુ તપાસ ચાલું છે

અકસ્માત સર્જાતા સ્થાનિકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને તેમણે પોલીસને આ અંગેની જાણ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બંને મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બદલાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ કહ્યું કે, “આ અકસ્માત અંગે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.”

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!