
સેવાલિયા પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપ્યો. 3 આરોપીઓની ધરપકડ, 4 પિસ્તોલ, 1 રિવોલ્વર, 40 કારતૂસ જપ્ત.
ખેડા: જિલ્લાની સેવાલિયા પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલી ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાંથી (GJ 03 PR 5063) પોલીસે 4 દેશી પિસ્તોલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ હથિયારોની હેરાફેરીના આરોપસર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર પહોંચાડવાના હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓના નામ આશિષકુમાર પાટડીયા, શશાંકસિંહ રાજપુત અને પ્રવિણભાઈ વાળા છે. આ આરોપીઓ મધ્યપ્રદેશના છોટુભાઈ નામના શખ્સ પાસેથી હથિયારો ખરીદીને ગાડીની સીટ નીચે છુપાવીને ભાવનગરના સિકંદર ઉર્ફે સિક્કોને આપવા જઈ રહ્યા હતા. પોલીસે હથિયારો, કારતૂસ, 3 મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂ. 6,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ શશાંક અને પ્રવિણ સામે અગાઉ પણ લૂંટ, મારામારી અને પોક્સો જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ હથિયારો મંગાવનાર ભાવનગરનો મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિક્કો અગાઉ મર્ડર અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલો છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈ હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હથિયાર આપનાર મધ્યપ્રદેશના છોટુભાઈ તથા મંગાવનાર ભાવનગરના સિકંદરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાર બાદ અનેક ખુલાસા થઈ શકે છે.


