
મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. મોટી દાઉ ગામ પાસે રોંગ સાઈડથી ધસી આવેલી એક લક્ઝરી બસે સામેથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી.

મહેસાણા: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. મોટી દાઉ ગામ પાસે રોંગ સાઈડથી ધસી આવેલી એક લક્ઝરી બસે સામેથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 13થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતની આ ઘટના મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બની હતી. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમદાવાદ તરફ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. લક્ઝરી બસ અચાનક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લક્ઝરી બસ ટ્રકને અથડાયા બાદ રોડ કિનારે આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.

ટ્રક ડ્રાઈવર તુલસીરામે આ સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ નિયત ગતિએ પોતાની સાઈડમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી આવતી લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને તેમની ટ્રકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વાહનોની ગતિ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


