
અરવલ્લી LCBએ ચોરાયેલા મોબાઈલ ફોનનું મોટું રેકેટ ઝડપ્યું. મોડાસામાંથી 46 મોબાઈલ, લેપટોપ સહિત 9.20 લાખનો મુદ્દામાલ જપ્ત. 4 આરોપીઓની ધરપકડ.
અરવલ્લી LCB ટીમને મળેલી બાતમીના આધારે મોડાસાના માર્કેટ યાર્ડ ગેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 40 નંગ ચોરાયેલા મોબાઈલ ફોન અને એક લેપટોપ મળી આવ્યું હતું. આ ઉપરાંત, પકડાયેલા આરોપીઓની અંગઝડતી લેતા તેમની પાસેથી વધુ 6 મોબાઈલ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 46 મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર અને USB કેબલ સહિત રૂપિયા 9.20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર મોબાઈલ વેચતી જ નહોતી, પરંતુ ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટ્સ છૂટા પાડીને અન્ય ફોનમાં પણ વાપરતી હતી. આ સિવાય, ચોરેલા ફોનના IMEI નંબર બદલીને તેને અન્ય રાજ્ય તેમજ વિદેશમાં મોકલી આપવાનું આંતરરાજ્ય નેટવર્ક ચાલી રહ્યું હતું. હાલમાં સાયબર પોલીસ સ્ટેશન મોડાસા-અરવલ્લી ખાતે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
ચોરાયેલા મોબાઈલ ફોન કોના છે અને મૂળ માલિકો સુધી પહોંચવા માટે પોલીસ હવે કેન્દ્ર સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલ અને સંચાર સાથી એપ્લિકેશનનો સહારો લઈ રહી છે. પકડાયેલા 4 આરોપીઓ તલ્હા હનીર્ફભાઇ સીધવા, મોહમદશાહરૂખ મોહમદરર્ફીક ચૌહાણ, અનસ આરીર્ફભાઇ સુથાર, નકીબ મોહમદસલીમ જથેરા સિવાય આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સાયબર પોલીસ અને LCBએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.



