Uncategorized
Trending

રાજકોટ-ગોંડલ હાઇવે પરથી વિસ્ફોટક પદાર્થ ભરેલી બોલેરો ઝડપાઈ, 12 હજાર જીલેટિન સ્ટિક અને 4 હજાર ડીટોનેટર સાથે એકની ધરપકડ

રાજકોટ-ગોંડલ હાઇવે પરથી શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી છે. પોલીસે 12,000 જીલેટિન સ્ટિક, 4,000 ડીટોનેટર અને અન્ય બ્લાસ્ટિંગ સામગ્રી સહિત ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.

<img src=”data:;base64,” alt=”” aria-hidden=”true” />રાજકોટ: શહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. રાજકોટ-ગોંડલ હાઇવે પરથી શહેર ક્રાઇમ બ્રાન્ચે એક બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે વહન થતો વિસ્ફોટક સામગ્રીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 12,000 જીલેટિન સ્ટિક, 4,000 એક્સપ્લોઝિવ ડીટોનેટર સહિત કુલ ₹5.95 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો, તેને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

શંકાસ્પદ બોલેરોમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળ્યો

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શીવ હોટલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ બોલેરો પીકઅપને પોલીસે અટકાવી હતી. વાહનની તલાશી લેતા અંદરથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

                              પોલીસે બોલેરો પીકઅપ સાથે એકની ધરપકડ કરી

₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસે સ્થળ પરથી 1,500 કિલો વજનની કુલ 12,000 જીલેટિન સ્ટિક (અંદાજિત કિંમત ₹2.40 લાખ), 4,000 એક્સપ્લોઝિવ ડીટોનેટર (કિંમત ₹40 હજાર) અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ (કિંમત ₹15 હજાર) કબજે કર્યા હતા. આ વિસ્ફોટક સામગ્રી અને મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન સહિત કુલ ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

                            લાખોનો વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો

ક્રાઈમ બ્રાન્ચે બે વોન્ટેડ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં

આ મામલે પોલીસે મૂળ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છતરીયાળા ગામના અને હાલ રાજકોટમાં રહેતા ડ્રાઇવર દોલાભાઈ રઘુભાઈ મીર (ઉં.વ. 34)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ વિસ્ફોટક જથ્થો મીતુલ નામના શખ્સે પૂરો પાડ્યો હતો અને સુરેન્દ્રનગરના થાનગઢના જામવાડી ગામના રહેવાસી હિરાભાઈ ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઈ અલગોતર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બંને વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ આ વિસ્ફોટક જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો અને તેનો હેતુ શું હતો, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!