Uncategorized
Trending
સાઢુએ જ કરી અન્ય સાઢુની હત્યા, પુત્ર અંગે થઈ હતી બોલાચાલી, જાણો શાપરનો આખો ક્રાઈમ કેસ

શાપર-વેરાવળ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની સંજુ પણ કારખાનામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે અને દંપતીને બે પુત્રો છે.
મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના વતની બ્રિજવિહારીસિંગ પરિવાર સાથે શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હતા અને શ્રીરામ ફેબ્રિકેશનમાં મજૂરી કામ કરતા હતા. 11 ઓગસ્ટે રાત્રે આશરે 10.30 વાગ્યે તેઓ પત્ની સંજુ અને બાળકો સાથે ઓરડીમાં હતા. દરમિયાન સંજુની બહેન શીતલનો પુત્ર હિતેશસિંગ ત્યાં આવ્યો હતો અને તેના પિતા અમરેન્દ્રસિંહ ગુસ્સામાં હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ અમરેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યો હતો અને પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુ અને બ્રિજવિહારીસિંગ સાથે બોલાચાલી શરૂ કરી હતી. બ્રિજવિહારીસિંગે ઝઘડો ન કરવા કહેતાં અમરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આરોપીએ બ્રિજવિહારીસિંગને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી સંજુને પણ ધક્કો મારી નીચે પછાડી દીધી હતી.
ત્યારબાદ અમરેન્દ્રસિંહે બ્રિજવિહારીસિંગને માર મારતાં મારતાં છતની દીવાલ પાસે લઈ જઈ નીચે જમીન પર ફેંકી દીધા હતા. ઘટનાને પગલે આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ સંજુ અને બાળકોની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બ્રિજવિહારીસિંગને પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની સંજુની ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે શરૂઆતમાં BNSની કલમ 109(1), 115(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બ્રિજવિહારીસિંગનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે BNSની કલમ 103(1)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.
શાપર-વેરાવળ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની સંજુ પણ કારખાનામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે અને દંપતીને બે પુત્રો છે. આરોપી અમરેન્દ્રસિંહને પોલીસે ઝડપી લીધો છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ, ઝઘડાની પરિસ્થિતિ અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



