Uncategorized
Trending
સુરતમાં બગાસું ખાતાં પતાસું મળ્યું! કીમ ચાર રસ્તા પાસે ટેમ્પોનો અકસ્માત સર્જાયો, પોલીસ ટ્રાફિક હળવો કરવા ટેમ્પો ખેંચી લાવ્યા અને અંદરથી દારૂ નીકળ્યો

સુરત: જિલ્લાના કીમ ચારરસ્તા નજીક એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતે બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવી દીધું છે. પાલોદ પોલીસને અકસ્માતની તપાસ દરમિયાન બગાસું ખાતાં પતાસું હાથ લાગ્યું હોય તેમ દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ડિવાઈડર સાથે અથડાયેલા છોટા હાથી ટેમ્પોમાંથી પોલીસે રૂ. 7.71 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો ડિવાઈડર સાથે અથડાયો
કીમ ચારરસ્તા નજીક એક્સપ્રેસ હાઈવે પર એક છોટા હાથી ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો સીધો ડિવાઈડર સાથે અથડાયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાલોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરવા અકસ્માતગ્રસ્ત ટેમ્પોને ટોઇંગ કરીને પાલોદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો હતો.
ટેમ્પોમાં પડેલા પ્લાસ્ટિકના કેરબામાંથી દારૂ નીકળ્યો
પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ટેમ્પોની બારીકાઈથી તપાસ કરવામાં આવતાં અંદરથી ખાલી અને ભરેલા પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા, જેથી પોલીસને શંકા ગઈ હતી. શંકાના આધારે પોલીસે જ્યારે કેરબા ખોલીને જોયું તો પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. બુટલેગરે પોલીસની નજરથી બચવા માટે ખાસ કીમિયો અપનાવ્યો હતો. તેણે કેરબામાં છેદ બનાવી તેની અંદર અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો છુપાવી રાખી હતી.
દારૂની હેરાફેરીના મોડસ ઓપરેન્ડી પરથી પડદો ઊંચકાયો
આ અકસ્માતે બુટલેગરની હોશિયારી અને દારૂની હેરાફેરીના મોડસ ઓપરેન્ડી પરથી પડદો ઊંચકાયો હતો. પાલોદ પોલીસે કેરબામાંથી વિદેશી દારૂની બોટલો, ટેમ્પો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.






