
પાટડીથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરી ભીખ મંગાવવાના ઇરાદે અમદાવાદ આવેલી મહિલાની ધરપકડ. સોલા હાઇકોર્ટ પોલીસે બાળકીને સુરક્ષિત શોધી પરિવારને સોંપી.
અમદાવાદ: સુરેન્દ્રનગર પાટડી બસ સ્ટેશન નજીકથી 4 વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. બાળકના અપહરણ અંગે સોલા હાઇકોર્ટ પોલીસને બ્રોડકાસ્ટ મેસેજ મળતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સોલા હાઇકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી ઝડપી કાર્યવાહીનો પરચો આપ્યો છે.
બ્રોડકાસ્ટ મેસેજના આધારે સોલા હાઇકોર્ટ પોલીસની ટીમે બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ દરમિયાન ભાગવત સર્કલથી પ્રસંગ પાર્ટી પ્લોટ તરફ જતા રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ મહિલા બાળક સાથે પસાર થતી હોવાનું જણાતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી 4 વર્ષનું બાળક મળી આવતા પોલીસે બાળકને સુરક્ષિત કબજામાં લીધું હતું.
પોલીસે બાળક સાથે મળી આવેલી મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા જગદીશ નાથબાવા તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનામાં મહિલા બાળકને લઈને જતી હોવાના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાએ ભીખ મંગાવવાના હેતુથી બાળકને લઈ જવાની કબૂલાત કરી હોવાની પોલીસ તરફથી માહિતી મળી છે.
બાળક સુરક્ષિત મળી આવતા સોલા હાઇકોર્ટ પોલીસે તેને તેના પરિવારજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સમયસૂચકતા અને ઝડપી તપાસના કારણે બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યું છે. હવે આ મામલે વધુ તપાસ માટે આરોપી મહિલા અને કેસની વિગતો સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ મામલે પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી મહિલાએ અગાઉ અન્ય કોઈ બાળકને પણ આ રીતે નિશાન બનાવ્યું છે કે કેમ. CCTV ફૂટેજ, આરોપીની પૂછપરછ અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવશે. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.




