Uncategorized
Trending

મધરાતે અમદાવાદ પોલીસનું મિશન ‘નાઇટ ડોમિનેશન’; 150થી વધુ સ્થળોએ સઘન ચેકિંગ, બિયર સાથે 3 ઝડપાયા, 350 કફ સિરપની બોટલો જપ્ત

અમદાવાદ પોલીસમાં 150થી વધુ સ્થળોએ પોલીસે સઘન નાકાબંધી, વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. દારૂ પીને વાહન ચલાવનારાઓ અને સ્ટંટબાજોમાં કાયદાનો ભય પેદા કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરી પર લગામ કસવા માટે અમદાવાદ શહેર પોલીસે મોડી રાત્રે ‘નાઇટ ડોમિનેશન’ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત એવા 150થી વધુ સ્થળો પર સઘન નાકાબંધી, વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે અસામાજિક તત્વો, દારૂ પીને વાહન ચલાવનારાઓ અને સ્ટંટબાજોમાં કાયદાનો ભય પેદા કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
દરરોજ રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાનારા આ વિશેષ ઓપરેશન માટે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાંથી 5 પોલીસ વાહનો અને અંદાજે 25 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે પોતે સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, સી.જી. રોડ અને એસ.પી. રિંગ રોડ જેવા પ્રમુખ માર્ગો પર ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.
આ કામગીરીમાં એસઓજી ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ જોડાઈ હતી. ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા સાંપડી હતી. સિંધુભવન રોડ પર અશ્વ વિલા ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ કિયા સેલ્ટોસ કારમાંથી મિખિલ મનોજભાઈ, શુભમ મુકેશભાઈ અને પાર્થ વિજયભાઈ નામના ત્રણ યુવકોને 4 બિયરના ટીન સાથે ઝડપી લેવાયા હતા.
આ ઉપરાંત, જમાલપુર ચાર રસ્તા પાસે ચેકિંગ દરમિયાન અટકાવવામાં આવેલી હ્યુન્ડાઈ i10 કારમાંથી અંદાજે 350 જેટલી કફ સિરપની બોટલો મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, દાણીલીમડાના ફૈઝલનગર બેરલ માર્કેટ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન શરૂ થયું હતું.
દાણીલીમડામાં પોલીસનું કોમ્બિંગ શરૂ થતાં જ અસામાજિક તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યાં પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરીને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી હતી. અમદાવાદ પોલીસનું કહેવું છે કે શાંતિ અને સલામતી જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ અને નાઇટ ડોમિનેશનની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!