Uncategorized
Trending
લો બોલો: ગુગલ મેપ પર સર્ચ કરી મંદિરમાં ચોરી કરી, ઝડપાય નહીં તે માટે 10 હજાર ચડાવવાની માનતા રાખી

સાણંદના ઉમિયા માતાજી મંદિરમાં ચોરી કરનાર 5 આરોપીઓની ધરપકડ. માસ્ટરમાઇન્ડ લક્ષ્મણે ગૂગલ મેપથી પ્લાનિંગ કર્યું હતું. ચોરી બાદ ચાંદીનું છત્ર વેચી દીધું.
લક્ષ્મણ ગુર્જર અને કિશન બંન્ને ભાઇઓ છે. જે રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી છે. રાજસ્થાનથી તેઓ અવારનવાર શાકભાજી વેચવા માટે સાણંદ આવતા હતાં. અને આ દરમિયાન તેઓ અન્ય આરોપીઓ સાથે સંપર્કમાં આવ્યા હતાં. જે દિવસે ચોરીના બનાવને અંજામ આપ્યો ત્યારે લક્ષ્મણે તમામ આરોપીઓને વકીલબ્રીજ પાસે બોલાવ્યા હતાં. જ્યાં તમામના મોબાઇલ ફોન લઇ લીધા હતાં. અને બાદમાં મંદિરથી પાંચ કિલોમીટર દૂર તેઓ બોલેરો ગાડી પાર્ક કરીને ચોરી કરવા માટે ગયા હતા. કિશન અગાઉ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો હોવાથી પોલીસની કામગીરીથી વાકેફ હતો. પોલીસના હાથે ઝડપાય નહીં એટલા માટે તેણે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કર્યો ન હતો. આરોપીઓના સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ ‘ચોર મચાયે શોર’ના ગીત પર બનાવેલી એક રીલ્સ પણ તેમણે તેમના વોટ્સએપગ્રુપમાં શેર કરી હતી.
ચોરી કર્યા બાદ બંન્ને ભાઈઓ રાજસ્થાન નાસી ગયા હતા. જ્યાં તેમણે ચાંદીનું છત્ર ઓગાળીને રૂપિયા 92 હજારમાં વહેંચી દીધું હતું. જેમાંથી 10 હજારનું ડીઝલ તેમજ 10 હજાર રૂપિયા માતાજીના ચડાવવાની માનતામાં ખર્ચ કર્યા હતા. આરોપીઓએ માનતા રાખી હતી કે જો તેઓ 10 દિવસમાં પોલીસના હાથે ઝડપાઈ જશે નહીં તો તેઓ 10 હજાર રૂપિયાનો ચડાવો ચઢાવશે. આરોપી લક્ષ્મણે સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને ગુગલ મેપના આધારે આખું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ ઇસનપુરમાં પણ ટાયર ચોરી કરવાનો હતો. જો કે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


