Uncategorized
Trending
રથયાત્રા પહેલા રાજકોટમાં 18 બંદૂક સાથે પકડાયેલા 6 શખ્સોનો શું હતો ખૌફનાક પ્લાન? પોલીસ તપાસમાં શું ખુલ્યું?

રથયાત્રા પૂર્વે રાજકોટમાં 6 આરોપીઓ 18 ગેરકાયદે હથિયારો અને 30 જીવતા કાર્ટ્રિજ સાથે ઝડપાયા. પોલીસે આંતરરાજ્ય હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આગામી અષાઢી બીજે રાજકોટમાં યોજાનારી રથયાત્રામાં આ ગુંડા તત્વોનો કોઈ ખોફનાક પ્લાન હતો કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

વિગતે વાત કરીએ તો, અષાઢી બીજની રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ દરમિયાન રાજકોટ PCBને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે વાંકાનેર ચોકડી નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરજાપુરના શકીલ સાદીક મન્સુરીને પાંચ ગેરકાયદે હથિયાર અને 20 જીવતા કાર્ટિસ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. હથિયાર લેવા આવેલા જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

બાદમાં શકીલની પૂછપરછમાં ચોટીલાના અનિલ ખેતરિયા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા અને પ્રદીપ કરપડા નામ સામે આવતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પાંચેય આરોપીઓ પાસેથી કુલ 10 દેશી પિસ્તોલ, પાંચ કટ્ટા, એક રિવોલ્વર અને 30 જીવતા કાર્ટિસ સહિત રૂ. 2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં મહત્વની માહિતીઓ સામે આવી હતી.

બાદમાં રિમાન્ડ દરમિયાન આરોપી શકીલ મન્સુરીની પુછપરછમાં આ કેસમાં અન્ય એક છઠ્ઠા શખ્સ સંદીપ પરમારનું નામ ખુલ્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે, આરોપી સંદીપ પરમારે આરોપી પ્રદીપ તરપડા પાસેથી બે અલગ-અલગ પ્રસંગે ગેરકાયદે હથિયારો ખરીદ્યા હતા. આ માહિતીના આધારે PCBએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ પરમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ બે ગેરકાયદે દેશી બનાવટના હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શકીલ મન્સુરી છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારો સપ્લાય કરતો હતો. વિરનગર નજીક રૂરલ SOG દ્વારા ઝડપાયેલા હથિયારોનો સપ્લાયર પણ શકીલ જ હોવાનું ખુલ્યું છે અને તે હથિયાર 10થી15 હજારમાં સપ્લાય થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ત્યારે અષાઢી બીજની રથયાત્રા પૂર્વે રાજકોટ પોલીસની આ કાર્યવાહી ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં વધુ કેટલા ગેરકાયદે હથિયાર રાજકોટ પોલીસ કબજે કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

નાનામવા ગામ ફાયરિંગ-મર્ડર કેસની પણ તપાસ:નોંધનીય છે કે, તાજેતરમાં નાના મવા ગામતળમાં થયેલા ચકચારી ફાયરિંગ વિથ મર્ડર કેસમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે PI એમ.એલ. ડામોરના નેતૃત્વ હેઠળ SITની રચના કરી છે. PSI સી.બી. જાડેજા અને તેમની ટીમ હવે ઘટનાના મૂળ કારણથી લઈને હથિયારોના સ્ત્રોત અને આરોપીઓને મળેલી મદદ સુધીના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. SIT દરેક એંગલથી તપાસ કરી રહી છે. હથિયારો ક્યાંથી આવ્યા, કોને મદદ કરી અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.




