Uncategorized
Trending
રાજકોટમાં ટ્રકની અડફેટે યુવકનું મોત; વડોદરામાં બાઇક-સ્કૂટરની ટક્કર, લોહીલુહાણ હાલતમાં બંને ચાલકો તરફડ્યા

રાજકોટમાં માધાપર ચોકડી પાસે ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતા ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ. ટ્રક ચાલક ફરાર; વડોદરામાં કમાટીબાગ પાસે બાઈક-ટુવ્હિલરની ટક્કર, બંને અકસ્માતનું કારણ ઓવરસ્પિડ.
રાજકોટ/વડોદરા: ગુજરાતમાં વળતા જતા રોડ અકસ્માતોની હારમાળામાં હાલ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના રાજકોટ અને વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. રાજકોટમાં માધાપર ચોકડી પાસે ફરી એકવાર બેફામ સ્પીડે એકનો જીવ લીધો હોવાનો કરુણ બનાવ બન્યો છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતા ટુ-વ્હીલરનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખીરૂ ઉડી ગયું છે. તો વડોદરામાં કમાટીબાગમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બાઇક અને સ્કૂટર વચ્ચે ટક્કર થતા બંનેના ચાલકો રોડ પર લોહીલુહાણ હાલતમાં તરફડતા જોવા મળ્યા હતા. જે બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો કાબૂમાં મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધાપર ચોકડી ખાતે ગઈકાલે સોમવારના રોજ રાત્રિના સમયે ટ્રક તેમજ ટુ વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર ઘટનામાં ટુ વ્હીલર ચાલક ઉદય વાઘેલા નામના વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા માધાપર ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.

સમગ્ર મામલાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તાત્કાલિક અસરથી પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ બનાવ સંદર્ભે ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજકોટની જેમ જ ગઈકાલે રાતે વડોદરામાં પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના કમાટીબાગ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બાઇક અને એક્ટિવા વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંને ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં તરફડતા જોવા મળ્યા હતા. ત્યારે બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે રાજકોટ અને વડોદરામાં અકસ્માતની ઘટનાથી શહેરમાં બેફામ દોડતા વાહનોની રફતાર ક્યારે અટકશે? તેવા ગંભીર સવાલો ઉભા થયા છે.

રાજકોટ અને વડોદરામાં ગઈકાલે મોડી રાતે સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં એક વાત સરખી છે, બેફામ રફતાર એટલે કે ઓવરસ્પીડિંગ. અકસ્માતના બંને બનાવો પૂરપાટ ઝડપે આવતા વાહનોને કારણે થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે શહેરી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી આ રીતે બેફામ સ્પીડે વાહનો ચલાવવા એ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આ અકસ્માતની ઘટનાથી શહેરમાં બેફામ દોડતા વાહનોની રફતાર ક્યારે અટકશે? તેવા ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે આ બનાવોને પોલીસ કેટલી ગંભીરતાથી લે છે અને શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું!




