Uncategorized
Trending
વિજાપુરનો સંબંધ લજવતો કિસ્સો: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ રચ્યું કાવતરું, કાર નીચે કચડવાની ભાણેજને આપી સોપારી

મહેસાણાના વિજાપુરમાં હિટ એન્ડ રન નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હોવાનું સામે આવ્યું. વિનોદભાઈ મણીલાલ પટેલના મોતા બાદ પત્ની, દીકરી અને ભાણેજની પોલીસે ધરપકડ કરી.
મહેસાણા: જિલ્લાના વિજાપુરમાંથી એક સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. 8 જુલાઈના રોજ બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હોવાનો પર્દાફાશ થયો છે. ઘરકંકાસ અને શંકા-વહેમના કારણે એક પત્ની અને દીકરીને મળીને પતિની હત્યા કરવાની સોપારી આપી હતી. આ માતા પુત્રીએ મળીને પોતાના સગા ભાણેજને સોપારી આપીને ઘરના મોભીને કાર નીચે કચડી મારી નાખ્યા. વિજાપુર પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને પત્ની, પુત્રી અને ભાણેજ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

અકસ્માતમાં મોત બાદ તપાસે લીધો નવો વળાંક – 8 જુલાઈ 2026ના રોજ વિજાપુરના આનંદપુરા રોડ પર બનેલી આ ઘટના છે. રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા વિનોદભાઈ મણીલાલ પટેલ પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક સફેદ રંગની બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું અને કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો. વિજાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી, પણ પોલીસને અંદાજો નહોતો કે આ અકસ્માત પાછળ એક મોટું ગુનાહિત કાવતરું છુપાયેલું છે.

CCTV અને સાક્ષીની માહિતીથી ખુલ્યું કાવતરું – વિજાપુર પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બ્રેઝા કાર નજરે પડી હતી. આ દરમિયાન એક મહત્વનો સાક્ષી પોલીસ સમક્ષ હાજર થયો અને તેણે જણાવ્યું કે, તેનો મિત્ર વિમલ પટેલ સીસીટીવી કેમેરા ફિટ કરવાના બહાને તેને ગાડીમાં બેસાડી ગયો હતો અને તેણે જ જાણીજોઈને એક્ટિવા સવારને ટક્કર મારી ગાડી ભગાવી મૂકી હતી.

બસ, આ કડી મળતા જ પોલીસે મુખ્ય આરોપી વિમલ પટેલની ધરપકડ કરી અને જ્યારે તેની પૂછપરછ શરૂ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી.

વિજાપુર, પીઆઈ, આર. જે. ચૌહાણે જણાવ્યુ છે કે, પકડાયેલા આરોપીઓમાં મરણજનારની 49 વર્ષીય પત્ની રીટાબેન, 27 વર્ષીય દીકરી શ્રદ્ધાબેન અને 24 વર્ષનો સગો ભાણેજ વિમલકુમાર પટેલ સામેલ છે. પત્ની અને પુત્રીએ ભાણેજને ભરોસો આપ્યો હતો કે, બધી જવાબદારી અમારી રહેશે અને કોઈ પોલીસ કેસ નહીં થાય. પરંતુ કાયદાના લાંબા હાથથી આ શાતિર કાવતરાખોરો બચી શક્યા નહીં. હાલમાં વિજાપુર પોલીસ અને LCB ની ટીમે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે


