Uncategorized
Trending

₹175નું દૂધ 1.91 લાખમાં પડ્યું, Zepto કસ્ટમર કેરનો ગૂગલમાં નંબર શોધવો ભારે પડ્યો, જોજો તમારી સાથે આવો કાંડ ના થઈ જાય

Online Delivery fraud: રાજકોટમાં 63 વર્ષીય મહિલાએ Zeptoનું ₹175નું રિફંડ મેળવવા Google પર કસ્ટમર કેર નંબર શોધ્યો, પરંતુ સાયબર ઠગોના જાળમાં ફસાઈ ₹1.91 લાખ ગુમાવ્યા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

રાજકોટ: માત્ર ₹175નું રિફંડ મેળવવાની કોશિશ રાજકોટની 63 વર્ષીય નિવૃત્ત મહિલા માટે ભારે સાબિત થઈ છે. ગૂગલ પર Zeptoનો કસ્ટમર કેર નંબર શોધતાં મહિલા સાયબર ઠગોના સંપર્કમાં આવી હતી. પોતાને કંપનીના કર્મચારી તરીકે ઓળખાવનાર શખ્સે UPI રિફંડની પ્રક્રિયાના બહાને મહિલાના ખાતામાંથી ₹1.91 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવો પડ્યો ભારે

પોલીસ ફરિયાદ મુજબ, જામનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી 63 વર્ષીય નિવૃત્ત મહિલાએ 12 જૂન, 2026ના રોજ Zepto એપ મારફતે પાંચ થેલી દૂધ મંગાવ્યું હતું. દૂધ બગડેલું નીકળતાં તેમણે ₹175ના રિફંડ માટે ગૂગલ પર Zepto કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. સર્ચ દરમિયાન મળેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સામેથી વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઇસ્માઇલ અન્સારી જણાવી Zepto કસ્ટમર કેરનો કર્મચારી હોવાનું કહી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો.

રિફંડના બહાને UPIથી ખાલી કરાવ્યા બેંક ખાતા

આરોપીએ વોટ્સએપ મારફતે UPI પ્રક્રિયા કરાવી મહિલાને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવા કહ્યું હતું. આ દરમિયાન મહિલાના બેંક ઓફ બરોડા ખાતામાંથી ₹97,072 અને ICICI બેંક ખાતામાંથી ₹94,262 એમ કુલ ₹1,91,334 વિવિધ UPI ID અને બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. પૈસા કપાઈ ગયા બાદ મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો

આ કેસમાં રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિવિધ મોબાઈલ નંબર ધારકો અને બેંક ખાતા ધારકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 318(4), 319, 3(5) તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે UPI ID, બેંક ખાતા અને મોબાઈલ નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!