Uncategorized
Trending

અમદાવાદ: નિકોલમાં બહેનના ઘરે રીસામણે બેઠેલી પત્નીને છરીના 5 ઘા મારી પતિએ અમરેલીમાં ટ્રેન નીચે પડતું મુક્યું !

અમદાવાદના નિકોલમાં પત્નીને છરીના ઘા મારી પતિએ અમરેલીમાં ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. પત્ની ગંભીર રીતે ઘાયલ.

અમદાવાદ: નિકોલના ડાયમંડ પાર્કમાં કાળજું કંપાવી નાંખે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. ત્રણ સંતાનોની માતા પતિથી નારાજ થઈને પોતાની બહેનની સાસરી નિકોલમાં છેલ્લા 10 દિવસથી રીસાઈને આવી ગઈ હતી. જેને મળતા તેનો પતિ આજે શનિવારની સવારે અમરેલીથી નીકળીને નિકોલમાં આવ્યો હતો. આ દરમિયાન દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ચારથી પાંચ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ હાલતમાં રઝળતી મૂકીને આરોપી પતિ નાસી ગયો હતો.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ટ્રેનમાં બેસીને અમરેલી જવા સારું ફરાર થઈ ગયો હતો. ત્યારે ગંભીર રીતે ઘાયલ મહિલાને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં આગળ મહિલાની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. બીજી બાજુ આરોપી પતિને પોલીસ પકડી પડશે અને સમાજમાં બદનામી થશે તેના ડરથી ગભરાઈને યુવકે બોટાદ જિલ્લાના ઢસા નજીક ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના ઢસા પાસેના ગામની વતની 42 વર્ષીય પરિણીતા તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે. થોડા દિવસ અગાઉ મહિલાને તેના પતિ ભાવેશ બારૈયા સાથે અણબનાવ બનતા બંને દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હતી. એટલે છેલ્લા 10 દિવસથી પરણિતા રિસાઈને નિકોલમાં ડાયમંડ પાર્કમાં રહેતી તેની બહેનની સાસરીમાં રિસાઈને આવી ગઈ હતી.
આ દરમિયાન ભાવેશ તેની પત્નીને અવારનવાર ફોન કરીને મનાવવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ અગમ્ય કારણોસર મહિલા તેના પતિ ભાવેશની એકપણ વાત માનવાથી ઇનકાર કરી દેતી હતી. આથી કંટાળીને ભાવેશ બારૈયા અમરેલીથી નીકળ્યો અને શનિવારની વહેલી સવારે તેની નિકોલમાં રહેતી તેની સાળીની સાસરીમાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ભાવેશ તેની પત્નીને ઘરના ધાબે લઈ ગયો અને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિએ તેની પાસે રહેલી ધારદાર છરી ખિસ્સામાંથી કાઢીને ઉપરાછાપરી ચારથી પાંચ ઘા પત્નીને ઝીંકી દીધા હતા. આથી લોહીલુહાણ હાલતમાં મહિલા જમીન પર પટકાઈ પડી હતી. આ સમયે બુમાબુમ થતા ઈજાગ્રસ્ત મહિલાની બહેન અને તેની સાસરીવાળા ધાબે આવી પહોંચ્યા એટલે એટલામાં આરોપી ભાવેશ નાસી ગયો અને રેલવે સ્ટેશન પહોંચીને અમરેલી જવા સારું ટ્રેનમાં બેસી ગયો હતો.
આ તરફ ઘાયલ રેખાબેનને 108ની મદદ વડે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ રેખાબેનની હાલત ગંભીર અને નાજુક હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા નિકોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરુ કરી હતી.
બીજીબાજુ આરોપી ભાવેશને ડર લાગવા લાગ્યો કે હવે તો પોલીસ પકડી જશે અને સમાજમાં પણ બદનામી થશે તેના ડરથી અમરેલી જવા નીકળેલ ભાવેશે બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે નિકોલ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાના ભાવેશ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!