Uncategorized
Trending
UPમાં 3 વર્ષના કમ્પાઉન્ડરના અનુભવથી સુરતમાં ક્લિનિક ખોલી લીધી! ડિગ્રી વગર દર્દીઓને દવા, ઇન્જેક્શન આપતો બોગસ તબીબ ઝડપાયો

UPની એક ખાનગી હોસ્પિટલમાં 3 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી સુરતમાં પટેલ ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો. આરોપી માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર અને દવાઓ આપતો હતો.
સુરત: શહેરમાં ગેરકાયદેસર રીતે ડૉક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વધુ એક બોગસ તબીબનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના છાપરાભાઠા સ્થિત તારવાડી વિસ્તારમાં “પટેલ ક્લિનિક” નામથી દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતો વ્યક્તિ કોઈ માન્ય તબીબી લાયકાત કે નોંધણી વિના એલોપેથીક સારવાર આપતો હોવાનું સામે આવતા પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો સહિત રૂ. 13,005નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મારુતીધામ મંદિર પાસે આવેલી “પટેલ ક્લિનિક” પર દરોડો પાડ્યો
શહેરમાં ગેરકાયદેસર રીતે ડૉક્ટરની પ્રેક્ટિસ ચલાવતા અને લોકોના જીવ સાથે જોખમ ઊભું કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરોલી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે તારવાડી વિસ્તારમાં મારુતીધામ મંદિર પાસે આવેલી “પટેલ ક્લિનિક” પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ક્લિનિક ચલાવનાર વ્યક્તિ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલની નોંધણી ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી એલોપેથી દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
આરોપી પાસે માન્ય ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓને એલોપેથી દવાઓ આપતો, ઇન્જેક્શન આપતો તેમજ સારવાર કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, બ્લડ પ્રેશર મોનિટર, નોન-કોન્ટેક્ટ થર્મોમીટર, ફ્યુઝન સેટ, સ્કેલ્પ વેઇન સેટ, એમટીપી કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં ત્રણ વર્ષ કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોવાનું કબૂલ્યું
પકડાયેલા આરોપીની ઓળખ 47 વર્ષીય સુજીત લલ્લારામ પટેલ તરીકે થઈ છે. તે હાલમાં અમરોલીના કાર્તિકનગર, છાપરાભાઠામાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં આરોપીની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લગભગ ત્રણ વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોવાનું કબૂલ્યું હતું.
આરોપી કાયદેસરની લાયકાત કે નોંધણી વિના દર્દીઓની સારવાર કરતો
કમ્પાઉન્ડર તરીકે કામ કરી ત્યાં મળેલા અનુભવના આધારે તેણે સુરતના છાપરાભાઠા વિસ્તારમાં “પટેલ ક્લિનિક” નામથી દવાખાનું શરૂ કરી દીધું હતું અને કોઈપણ કાયદેસરની લાયકાત કે નોંધણી વિના દર્દીઓની સારવાર કરતો હતો. આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બોગસ ડૉક્ટરો સામે આગામી દિવસોમાં પણ ખાસ ઝુંબેશ ચાલુ રહેશે
પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલની તપાસ શરૂ કરી છે તેમજ આરોપી કેટલા સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતો હતો, કેટલા દર્દીઓની સારવાર કરી હતી અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસનું કહેવું છે કે શહેરમાં બોગસ ડૉક્ટરો સામે આગામી દિવસોમાં પણ ખાસ ઝુંબેશ ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




