Uncategorized
Trending
સાણંદની 19 વર્ષીય ફેશન ડિઝાઈનિંગની સ્ટૂડન્ટને કોણે મરવા મજબૂર કરી? સુસાઈડ નોટમાં ખુલ્યા 2 દિવસના અત્યાચારના રાઝ

મેહુલની પત્ની ચીની, તેની બહેન પાયલ અને તેના પિતા બુધાભાઈ ઉર્ફે ભૂવા ગોહેલે ભેગા મળીને યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ત્રણેય આરોપીઓએ યુવતીને સતત બે દિવસ સુધી ધમકાવી ભારે દબાણ કર્યું હતું.
અમદાવાદ: શહેરના સાણંદમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય ફેશન ડિઝાઈનિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સાણંદ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીની સુસાઈડ નોટના આધારે પોલીસે પ્રેમીની પત્ની, બહેન અને પિતા સામે ગુનો નોંધી તેમની શોધોખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક મેહુલ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ પ્રેમ સંબંધની જાણ મેહુલની પત્ની ચીની ગોહેલને થઈ જતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ મેહુલની પત્ની ચીની, તેની બહેન પાયલ અને તેના પિતા બુધાભાઈ ઉર્ફે ભૂવા ગોહેલે ભેગા મળીને યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ ત્રણેય આરોપીઓ દ્વારા યુવતીને સતત બે દિવસ સુધી ધમકાવવામાં આવી હતી અને ભારે દબાણ કરવામાં આવ્યું હતું.
સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં આરોપીઓ દ્વારા સતત બે દિવસ સુધી આપવામાં આવેલા ત્રાસ અને ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સુસાઈડ નોટને આધારે પોલીસે વિધિવત ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત અને બહારના રાજ્યોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ, આ ઘટનાને ત્રણ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સાણંદ પોલીસ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. આરોપી બુધાભાઈ ઉર્ફે ભુવાજી સાણંદ અને આસપાસના વિસ્તારમાં વગદાર અને મોટું નામ ધરાવતા હોવાથી પોલીસ તેમની ધરપકડ કરવામાં ઢીલી નીતિ દાખવી રહી હોવાના આક્ષેપો પણ ગ્રામજનો અને પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.




