Uncategorized
Trending
ધોળકામાં ગ્રામજનોની બચત મૂડી ડુબાડી, ઓમ જ્વેલર્સના માલિક પિતા-પુત્રએ આચરી કરોડોની છેતરપિંડી

સોના-ચાંદીના વ્યવસાયમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપી ગ્રામજનો પાસેથી નાણાં અને ચાંદી મેળવી બાદમાં રકમ પરત ન આપવાના આરોપસર ધોળકા ટાઉન પોલીસે ઓમ જ્વેલર્સના માલિક અને તેમના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા શહેરમાં સોના-ચાંદીના વ્યવસાયમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપી ગ્રામજનો પાસેથી નાણાં અને ચાંદી મેળવી બાદમાં રકમ પરત ન આપવાના આરોપસર ધોળકા ટાઉન પોલીસે ઓમ જ્વેલર્સના માલિક અને તેમના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી અમિતકુમાર ગુણવંતલાલ સોનીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડમાં અન્ય સંભવિત ભોગ બનનારાઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસને મળેલી અરજી અનુસાર ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી ઓમ જ્વેલર્સ નામની દુકાન અને શોરૂમ મારફતે સોના-ચાંદીના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી રોકાણકારો પાસેથી મોટી રકમ એકત્રિત કરવામાં આવી હતી. શરૂઆતમાં રોકાણકારોને નફા સાથે રકમ પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી અમિતકુમાર ગુણવંતલાલ સોની અને તેમના પુત્ર પાર્થ અમિતકુમાર સોનીએ મળીને ફરિયાદી અને અન્ય રોકાણકારો પાસેથી 113 કિલો ચાંદીનું રોકાણ કરાવ્યું હતું, જેની કિંમત રૂ.1.41 કરોડથી વધુ થાય છે. બાદમાં રોકાણકારોની ઉઘરાણી બાદ કેટલીક રકમ પરત નહિ આપી આરોપીઓ દ્વારા સતત ખોટા વાયદા કરી સમય પસાર કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત અને કાવતરાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ધવન દ્વારા ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી અમિતકુમાર ગુણવંતલાલ સોનીને ઝડપી પાડી વધુ તપાસ કરવા રિમાન્ડ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીના 6 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ આ જ પરિવારના હરી જ્વેલર્સના માલિક ઘનશ્યામ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની વિરુદ્ધ સમાન પ્રકારની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ડિસેમ્બર 2025માં નોંધાયેલા કેસમાં રોકાણકારો પાસેથી કુલ 97 કિલો ચાંદી રોકાણ પેટે મેળવી બાદમાં ચાંદીની ડિલિવરી અને રોકાણની રકમ પરત નોહતી કરી.
પોલીસના જણાવ્યા મુજબ બંને પ્રકરણોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી અને એક જ પરિવારના વ્યક્તિઓ દ્વારા સોના-ચાંદીના વ્યવસાયના આધારે વિશ્વાસ ઊભો કરી ઊંચા નફાની લાલચ આપવી અને બાદમાં રોકાણકારોને તેમની રકમ અથવા ચાંદી પરત ન કરવાની સ્કીમો ચલાવવામાં આવતી. હાલ પોલીસ બંને કેસ વચ્ચેના સંબંધો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે તપાસ કરી રહી છે. ધોળકા ટાઉન પોલીસે અપીલ કરી છે કે સોના-ચાંદીમાં રોકાણના નામે નાણાં, સોનું કે ચાંદી આપી પરત ન મેળવનાર કોઈપણ વ્યક્તિએ ભય કે સંકોચ વિના પોલીસનો સંપર્ક કરવો.



