Uncategorized
Trending
‘બીજા લગ્ન કરી લઈશ, તને જ રાખીશ…’: અમદાવાદમાં સગાઈ-લગ્ન નક્કી થઈ ગયા પછી પણ યુવતીને જાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું

આરોપીના લગ્ન પણ અન્ય જગ્યાએ નક્કી થઈ ગયા હોવા છતાં, તે યુવતીને હજુ પણ પ્રેમ કરતો હોવાનું અને સમાજના નિયમ મુજબ બીજા લગ્ન કરી લેશે તેવી લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની વિગત મુજબ, વટવા ખાતે રહેતી 20 વર્ષીય યુવતીને આશરે ત્રણ વર્ષ અગાઉ તેની સોસાયટીમાં જ રહેતા અર્શ ઇરશાદ રંગરેઝ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત શરૂ થઈ હતી અને ધીમે-ધીમે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધના બે મહિના બાદ, જ્યારે આરોપીના ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી અને “હું તારી સાથે જ લગ્ન કરીશ” તેવી લાલચ આપીને સૌપ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.
એકવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપીએ લગ્નનું વચન આપીને યુવતીને પોતાના ઘરે બોલાવી ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. એકાદ વર્ષ પહેલાં આરોપી અર્શ રંગરેઝની સગાઈ અન્ય છોકરી સાથે થઈ જતાં યુવતીએ આ અંગે પૂછપરછ કરી હતી. તે સમયે આરોપીએ પરિવારના દબાણનું બહાનું કાઢીને પોતે ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આરોપીના લગ્ન પણ અન્ય જગ્યાએ નક્કી થઈ ગયા હોવા છતાં, તે યુવતીને હજુ પણ પ્રેમ કરતો હોવાનું અને સમાજના નિયમ મુજબ બીજા લગ્ન કરી લેશે તેવી લાલચ આપીને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત ચાલુ રાખી હતી. આ દરમિયાન તાજેતરમાં યુવતીના પિતાએ પુત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતાં બંને વચ્ચે થયેલી અંગત ચેટ સામે આવી ગઈ હતી.
પરિવારે કડક પૂછપરછ કરતાં ભયભીત થયેલી યુવતીએ પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. બનાવની જાણ થતાં જ યુવતીના પિતાએ આરોપીના માતા-પિતાને પોતાના ઘરે બોલાવીને લગ્ન બાબતે વાતચીત કરી હતી, પરંતુ આરોપીના પરિવારે લગ્ન કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અંગે યુવતીએ વટવા પોલીસ સ્ટેશનમાં અર્શ રંગરેઝ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.




