
18મી લોકસભાના બજેટ સત્રના બીજા દિવસે, પીએમ મોદીએ કહ્યું, “નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે જે સતત નવમી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ સત્ર ખૂબ જ સકારાત્મક રીતે શરૂ થયું छे.”
મોદીએ કહ્યું, “એક આત્મવિશ્વાસપૂર્ણ ભારત આશાનું કિરણ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક કરાર થયો છે. મને વિશ્વાસ છે કે ભારતીય મેન્યુફેક્ચરર આ તકનો ઉપયોગ તેમની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે કરશે.”
18મી લોકસભાના બજેટ સત્રનો ગુરુવારે બીજો દિવસ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ 2026-27 રજૂ કરશે. આ પહેલા આજે સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે.
જ્યારે સત્રના પહેલા દિવસે બુધવારે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર દેશમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો સામનો કરવામાં સફળ રહી છે.
રાષ્ટ્રપતિએ 45 મિનિટની સ્પીચમાં VB- જી રામ જી કાયદાનો પણ ઉલ્લેખ કર્યો. આના પર વિપક્ષે હોબાળો કર્યો અને કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા. બીજી તરફ, NDA સાંસદોએ સમર્થનમાં નારા લગાવ્યા. પીએમ મોદી અને અમિત શાહ પણ ટેબલ થપથપાવતા જોવા મળ્યા.
બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. આ બે ભાગમાં હશે. પહેલો ભાગ 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 9 માર્ચથી 2 એપ્રિલ સુધી હશે. આ દરમિયાન કુલ 30 બેઠકો યોજાશે. 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ કોઈ શૂન્યકાળ નહીં હોય.
બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થઈ.





