Uncategorized
Trending
અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર IPSનો ‘નકલી’ ખેલ, પોલીસ અધિકારીને ધક્કો મારી ગાળાગાળી કરી નકલી રૂઆબ બતાવ્યો

નકલી અધિકારી તરીકે રોફ જમાવી પોલીસ સાથે ઝપાઝપી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ઓળખ કરી ઝડપી પાડતા ભાંડો ફૂટ્યો.
પોલીસ અધિકારી સામે રોફ જમાવવો ભારે પડ્યો Ahmedabad Fake IPS: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગત 23 જૂનના રોજ એક વ્યક્તિ પોતે IPS અધિકારી હોવાનું ખોટું જણાવી ફરજ પર હાજર પોલીસકર્મીઓ પર રોફ જમાવતો હતો. અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ અધિકારી પર રોફ જમાવ્યો
મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા ફરજ પર હાજર પોલીસકર્મી સાથે એક વ્યક્તિએ પોતે IPS અધિકારી હોવાનું કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આરોપી પોલીસકર્મી સામે ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલી ધક્કો મારી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેણે પોલીસ યુનિફોર્મમાં ખેંચતાણ કરી “મને સેલ્યુટ કેમ નથી માર્યો?” કહી ધમકી આપીને “અહીંથી દૂર તારું ટ્રાન્સફર કરાવી દઈશ” ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આ ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેના અનુસંધાને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં BNS કલમ 132, 204, 296 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા એલસીબી પશ્ચિમ રેલવે પોલીસ અને અમદાવાદ રેલવે પોલીસની સંયુક્ત ટીમે આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.



