Uncategorized
Trending

બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, મોટી બ્લ્ડ બેંકોની પણ સંડોવણી આવી શકે છે સામે

મુખ્ય આરોપી દિનેશ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલી પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રની ગજાનંદ બ્લડ બેન્ક અને વાસીમ બ્લડ બેન્કની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Blood Plasma Racket: અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા પર્દાફાશ કરાયેલા બ્લડ પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં તપાસ આગળ વધતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મુખ્ય આરોપી દિનેશ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલી પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રની ગજાનંદ બ્લડ બેન્ક અને વાસીમ બ્લડ બેન્કની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

છેલ્લા છ મહિનામાં 114થી વધુ ડુપ્લિકેટ પ્લાઝ્મા યુનિટ સપ્લાય કર્યા

તપાસમાં ખુલ્યું છે કે, છેલ્લા છ મહિનામાં 114થી વધુ ડુપ્લિકેટ અથવા ભેળસેળયુક્ત પ્લાઝ્મા યુનિટ સપ્લાય કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ નકલી પ્લાઝ્માનો એક યુનિટ અંદાજે ₹5 હજારના ભાવે વેચવામાં આવતો હતો. આ પ્લાઝ્મા ખરીદી કરનાર હોસ્પિટલોમાં સપ્લાય અને ફાર્મા કંપનીઓ સાથે થયેલા ટ્રાન્ઝેક્શનની હાલ સઘન તપાસ ચાલી રહી છે.

કઈ રીતે ડુપ્લિકેટ પ્લાઝ્મા રેકેટનો પર્દાફાશ થયો?

સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા અમદાવાદની એક પ્રતિષ્ઠિત ફાર્મા કંપની દ્વારા મોકલાયેલા પ્લાઝ્માના સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ફાર્મા કંપનીએ આ પ્લાઝ્મા વિદેશમાં સપ્લાય માટે મોકલ્યો હતો. સેમ્પલ ફેઇલ થતાં તેની પાછળની સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરવામાં આવી અને ડુપ્લિકેટ પ્લાઝ્મા રેકેટનો પર્દાફાશ થયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ હવે મહારાષ્ટ્ર પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે સંયુક્ત તપાસ કરી રહી છે. સાથે જ ગુજરાતની કોઈ બ્લડ બેન્ક આ રેકેટ સાથે સંકળાયેલી છે કે નહીં તે મુદ્દે પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજ્યની આશરે 700 જેટલી બ્લડ બેન્કમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ કામગીરી થાય છે કે કેમ તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં DGPને સોંપવામાં આવશે.

પોલીસ માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, આ ડુપ્લિકેટ પ્લાઝ્મા કેટલા દર્દીઓ સુધી પહોંચ્યું અને તેના કારણે કોઈને આરોગ્ય સંબંધિત નુકસાન થયું છે કે નહીં. આ દિશામાં પણ અલગથી તપાસ ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી અન્ય સંડોવાયેલા લોકો, નાણાકીય વ્યવહારો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, પોલીસ તપાસને અનેક દિશામાં વિસ્તૃત કરવામાં આવી છે અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!