Uncategorized
Trending
ફરી ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકાના વિદેશ મંત્રીએ આપ્યો મોટો સંકેત; ટ્રેડ ડીલ પર પણ કહી આ વાત

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને અપડેટ આપ્યું છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પણ અંતિમ તબક્કામાં છે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ટ્રમ્પની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે અને મને આશા છે કે, આગામી વર્ષની શરૂઆતમાં આ પ્રવાસ શક્ય બનશે. IANSના અહેવાલ મુજબ, વોશિંગ્ટન DCમાં ભારત-અમેરિકા સંબંધો અંગે વાત કરતાં રૂબિયોએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હાલમાં ખૂબ જ મજબૂત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, G-7 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારી મુલાકાત થઈ હતી. બંને દેશો હવે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ખૂબ જ નજીક પહોંચી ગયા છે.
રૂબિયોએ કહ્યું કે, “અમે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાથી માત્ર થોડાં પગલાં જ દૂર છીએ. ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી છે. ટૂંક સમયમાં ક્વાડની આગામી બેઠક પણ યોજાશે. હું પોતે આ વર્ષના અંત પહેલાં ભારત આવવાની આશા રાખું છું અને આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતની તૈયારી કરીશ.” જો ટ્રમ્પ આગામી વર્ષે એટલે કે 2027માં ભારત આવશે તો બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
ભારત પ્રવાસ અંગે રૂબિયોએ શું કહ્યું?
અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોને જ્યારે ટ્રમ્પના સંભવિત ભારત પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “અમે આ દિશામાં જ કામ કરી રહ્યા છીએ. આશા છે કે આવતા વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ભારત આવશે. ભારત અમેરિકા માટે ખૂબ જ નજીકનો ભાગીદાર અને સહયોગી દેશ છે.” રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે જેટલી નિકટતા છે, એટલી કદાચ અન્ય કોઈ નેતા સાથે નથી. ડિપ્લોમેટમાં આવા સંબંધો ખૂબ જ મહત્વના હોય છે.”
ટ્રેડ ડીલ અંગે રૂબિયોએ શું કહ્યું?
રૂબિયોના જણાવ્યા અનુસાર, ભારત-અમેરિકા વચ્ચેની વેપાર કરાર અંગેની ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે. જો આ કરાર પૂર્ણ થશે તો બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગને નવી દિશા અને ગતિ મળશે.


