Uncategorized
Trending
જેતપર ખેડૂત આંદોલનને તોડવાનું ષડયંત્ર? હકાભા ગઢવીના 25 કરોડવાળા આક્ષેપ બાદ નિલેશ એરવાડિયાએ શું કહ્યું?

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi)એ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કરતાં રાજ્યભરના ખેડૂતોમાં હલચલ મચી ગઈ છે. ત્યારે હવે આ મામલે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાનું નિવેદન સામે આવ્યું છે.
Jetpar Farmer Protest: મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસથી પ્રાઈવેટ કંપનીના વીજ ટાવર અને વીજ લાઈનના વિરોધમાં ખેડૂતો આંદોલન પર બેઠાં છે. કેટલાક ખેડૂતો ઉપવાસ પર પણ ઉતર્યા છે. જેતપર ગામના આ ખેડૂતોને ગામે-ગામથી સમર્થન મળી રહ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ જેતપર ગામના ખેડૂતોને ખુલ્લીને ટેકો આપ્યો છે. એવામાં આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હકાભા ગઢવી (Hakabha Gadhvi)એ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કરતાં રાજ્યભરના ખેડૂતોમાં હલચલ મચી ગઈ છે. ત્યારે હવે આ મામલે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાનું નિવેદન સામે આવ્યું છે.

નિલેશ એરવાડિયાએ કહ્યું કે, ‘જ્યારથી જેતપર ગામે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારથી આ આંદોલનને તોડવા માટે અનેક ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે, એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. કેટલા આંદોલન સ્થળે આવીને પહેલા લાલચ આપે છે અને તેમની વાતમાં ન આવી એટલે ધમકી આપે છે.’

હકાભાના આક્ષેપને લઈને તેમણે કહ્યું કે, ‘બ્લેમ કોઈપણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને પણ કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે. ધાક-ધમકીઓ થયેલી છે. એ પોત-પોતાની ઈચ્છાની વાત છે, કોના પર કેવો બ્લેમ કરવો, પ્રુવ કરવું એ મહત્વનું હોય છે. આ આંદોલન તોડવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. કોઈપણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે. અમારી લડત અવિરત ચાલું રહેશે.’

હકાભા ગઢવીએ શું આક્ષેપ કર્યો? – હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ‘નિલેશ એરવાડિયાએ આંદોલન કરતા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, હવે મારે બોલવું જ પડશે. પહેલા મને હતું કે હું બોલીશ તો આંદોલન તૂટી જશે, નિલેશભાઈને મેં કીધું સરકાર બોલાવે છે, તો આપણે મળવા જવું જોઈએ. જો આપણને ન્યાય ન મળે તો આપણે પાછા આંદોલન પર બેસી જઈશું. તો નિલેશભાઈએ મને કહ્યું કે, આમાં આપણને શું મળે? મારે 25 કરોડ રૂપિયા લેવાના છે, સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે. આમાંથી 1 કરોડ રૂપિયા તમારા.’

તેમણે કહ્યું હતું કે, ‘આટલું સાંભળીને મારા પગ ધ્રુજી ગયા. મને તો થયું કે આ માણસ આવું કેમ બોલે છે, આ માણસ તો સારો છે, ખેડૂતો માટે લડે છે. પછી મને થયું કે આટલા બધા ખેડૂતો સાથે જે માણસ ગદ્દારી કરે છે, તેનાથી દૂર જ જતું રહેવાય. આજે હું ખેડૂતો માટે સત્ય બોલ્યો, તેનો મને આનંદ છે. હવે મને સરખી ઊંઘ આવશે.’



