Uncategorized
Trending
ખેડામાં ભારે વરસાદ વચ્ચે કરુણ દુર્ઘટના: અંધારામાં ટર્ન લેવા જતાં પાણીના ધસમસતા વહેણમાં કાર ખાબકી, અમદાવાદના 4 યુવકોના મોત

Kheda accident: ખેડામાં ભારે વરસાદ વચ્ચે મોતીપુરા નજીક ગરનાળાના ધસમસતા વહેણમાં અર્ટિગા કાર ખાબકતા અમદાવાદના 4 યુવકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શાર્પ ટર્ન પરથી કાર અચાનક પલટી મારી ગઈ
મળતી માહિતી મુજબ, અમદાવાદ તરફથી આવી રહેલી અર્ટિગા કાર માતર-ખેડા હાઈવે પરથી મોતીપુરા તરફ જઈ રહી હતી. તે સમયે મુસળધાર વરસાદ અને ભારે અંધારાને કારણે રસ્તા પર આવેલા શાર્પ ટર્ન પરથી કાર અચાનક પલટી મારી ગઈ હતી અને ગરનાળાના ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.
ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડ, SDM સૂરજ બારોટ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, SP વિજય પટેલ, DySP તેમજ મામલતદાર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કારમાં ફસાયેલા 6માંથી 4 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ફાયર વિભાગે ભારે જહેમત અને રેસ્ક્યૂ ઓપરેશન બાદ કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, કારમાં ફસાયેલા 6 લોકોમાંથી 4 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. તંત્ર દ્વારા બચાવી લેવાયેલા 2 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ 4 યુવકોના મૃતદેહોને પંચનામું કરી PM અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકો:
- રાજ સંજયભાઈ રાઠોડ (ઉં.વ. 26, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
- બિરેન્દ્રસિંહ શેખાવત (ઉં.વ. 26, મૂળ રાજસ્થાન, હાલ રહે. CTM, અમદાવાદ)
- મુસ્તકીમ રાજપૂત (ઉં.વ. 19, રહે. રખિયાલ, અમદાવાદ)
- મયુરભાઈ મહેશભાઈ પંચાલ (ઉં.વ. 34, રહે. ન્યુ મણિનગર, અમદાવાદ)
સારવાર હેઠળના ઈજાગ્રસ્તો:
- ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગીલ (ઉં.વ. 38, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
- મુકેશભાઈ ચૌહાણ (ઉં.વ. 32, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)
અમદાવાદના યુવકો કાળનો કોળિયો બનતા તેમના પરિવારજનો પર અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


