Uncategorized
Trending
સોનમ રઘુવંશી કરતા પણ જબરી નીકળી જામનગરની પૃથ્વી! પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, 2 વર્ષ બાદ ખુલ્યું મોતનું રહસ્ય!
જામનગરમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી હત્યાનો ભેદ ખુલ્યો છે. પત્નીએ બે વર્ષ પહેલા પ્રેમી સાથે મળી પતિને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કોઈ જાણ ન થાય તે માટે મૃતદેહને દરેડ GIDCમાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
Jamnagar murder case: શહેરમાં બોલિવૂડ ફિલ્મ ‘દ્રશ્યમ’ જેવી જ એક અત્યંત ચોંકાવનારી અને ઘાતકી ઘટના સામે આવી છે. સિટી ‘બી’ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષથી રહસ્યમય રીતે ગુમ થયેલા જામનગરના જીજ્ઞેશ માવદિયા નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પતિ ઓસ્ટ્રેલિયામાં છે તેવું કહીને પરિવારને ગેરમાર્ગે દોરનારી પત્ની જ પતિની હત્યારી નીકળી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને દારૂમાં સાઇનાઇડ આપી પતાવી દીધો હતો અને મૃતદેહને 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.

જામનગરના જીજ્ઞેશ માવદિયા છેલ્લા બે વર્ષથી અચાનક જ ગુમ થઈ ગયા હતા. જીજ્ઞેશ વિશે પરિવારજનો જ્યારે પણ પૂછપરછ કરતા, ત્યારે તેની પત્ની પૃથ્વી એવું રટાણ કરતી હતી કે જીજ્ઞેશ ઓસ્ટ્રેલિયામાં એક કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં કામ દરમિયાન ફોન પર વાત કરવાની મંજૂરી નથી. જોકે, તાજેતરમાં પરિવારના એક સભ્ય જ્યારે ઓસ્ટ્રેલિયા જવાના હતા ત્યારે તેમણે જીજ્ઞેશનું સરનામું અને સંપર્ક નંબર માગ્યા હતા.

પત્ની યોગ્ય જવાબ ન આપી શકતા શંકા દ્રઢ બની હતી. આખરે જીજ્ઞેશના ભાઈ અશોક માવદિયાએ સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ભાઈની હત્યા થઈ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી પત્ની પૃથ્વીની કડક પૂછપરછ શરૂ કરતા આખી કાવતરાખોર વાર્તા સામે આવી હતી. પૃથ્વીના લગ્ન પહેલાંથી જ નિલેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા.

પતિ જીજ્ઞેશ તેમના સંબંધો વચ્ચે આડો આવતો હોવાથી બંનેએ તેને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. પૃથ્વી અને તેના પ્રેમી નિલેશે મળીને જીજ્ઞેશના દારૂમાં અત્યંત ઝેરી સાઇનાઇડ ભેળવી દીધું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ગુનો છુપાવવા માટે બંને આરોપીઓ મૃતદેહને દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનામાં લઈ ગયા હતા. ત્યાં અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને જીજ્ઞેશના મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો જેથી કોઈને શંકા ન જાય.

હાલમાં જામનગર સિટી ‘બી’ પોલીસે પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશ બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમ આરોપીઓને સાથે રાખી દરેડ જીઆઈડીસી ખાતે પહોંચી હતી, જ્યાં તેમની નિશાનદેહી મુજબ ખોદકામ કરીને મૃતદેહના અવશેષો બહાર કાઢવાની અને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



