Uncategorized
Trending

સુરતમાં આઇસર ટેમ્પોની ભયાનક ટક્કરથી આખેઆખો 60 KVનો વીજ ટાવર ધરાશાયી, સોસાયટી પર વાયર પડ્યા

સુરત નજીક ચલથાણ વિસ્તારમાં બેફામ આઇસર ટેમ્પાએ હાઇ ટેન્શન ટાવરને ટક્કર મારતાં 60 KVનો વીજ ટાવર ધરાશાયી થયો અને વાયર નજીકની સોસાયટી પર પડ્યા. ઘટના બન્યા બાદ મોડે સુધી વીજ અધિકારીઓ સ્થળ પર પણ ન પહોંચતા લોકોમાં રોષ.

સુરત: સુરત નજીક આવેલા ચલથાણ વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડીંડોલીથી નેશનલ હાઇવે-48 તરફ જઈ રહેલા એક આઇસર ટેમ્પાએ બેફામપણે હાઇ ટેન્શન લાઇનના ટાવરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ધડાકાભેર 60 KVનો વીજ ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો. ઘટના બાદ અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે વીજ તાર નજીકની રહેણાંક સોસાયટી પર પડતાં લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

હાઇ ટેન્શન વાયરો રહેણાંક સોસાયટીના મકાનો પર પડ્યા

મળતી માહિતી મુજબ, ડીંડોલીથી નેહા-48 તરફ પૂરઝડપે જઈ રહેલા આઇસર ટેમ્પાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ટેમ્પો માર્ગ કિનારે આવેલા હાઇ ટેન્શન વીજ ટાવર સાથે જઈ અથડાયો હતો. જોરદાર ટક્કર વાગતા જ 60 KV ક્ષમતાનો આખો ટાવર કડાકાભેર નીચે ધરાશાયી થયો હતો. ટાવર તૂટી પડવાના કારણે તેના હાઇ ટેન્શન વાયરો નજીકમાં આવેલી રહેણાંક સોસાયટીના મકાનો પર આવી પડ્યા હતા. સદનસીબે આ ભયાનક બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
                   આઇસરે બેફામપણે હાઇ ટેન્શન લાઇનના ટાવરને જોરદાર ટક્કર મારી

સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો આઇસર ટેમ્પા ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તેમજ વિસ્તારના નગરસેવકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટાવર ધરાશાયી થવાના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

                             અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો

લાંબા સમય સુધી વીજ વિભાગના અધિકારીઓ ન પહોંચતા લોકોમાં રોષ

બીજી તરફ, આટલી ગંભીર અને જોખમી ઘટના બની હોવા છતાં વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ લાંબા સમય સુધી સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટેમ્પો કબજે કરીને ફરાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે, તેમજ વીજ લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!