Uncategorized
Trending
રાજકોટમાં 16 વર્ષની સગીરા ગુમ થયા બાદ અમદાવાદથી મળી, દુષ્કર્મના આરોપમાં અરમાન-અફઝલની ધરપકડ

રાજકોટમાં 16 વર્ષની સગીરા ગુમ થયા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને અમદાવાદથી હેમખેમ શોધી કાઢી છે. દુષ્કર્મના આરોપસર અરમાન શેખ અને અફઝલ શેખની ધરપકડ કરવામાં આવી છે.
સગીરા ગુમ થયા બાદ પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરા ગુમ થઈ હતી. સગીરા ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. કોઈ પત્તો ન લાગતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. સગીરાના મોબાઇલ લોકેશન સહિતની ટેકનિકલ વિગતોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને અમદાવાદથી હેમખેમ શોધી કાઢી હતી.
રાજકોટથી બહાર લઈ જવાઈ હોવાનો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને લલચાવી-ફોસલાવી રાજકોટની બહાર લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેને અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ લઈ જવાઈ હોવાની માહિતી પોલીસ તપાસમાં મળી છે. આ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપોને પગલે તેની 40 વર્ષીય માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે BNSની કલમ 64(2)(M), 54 તેમજ POCSO એક્ટની કલમ 4 અને 6 સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
બે આરોપીની ધરપકડ
પોલીસે સમગ્ર મામલામાં અરમાન શેખ અને અફઝલ શેખની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અરમાન શેખે સગીરા સાથે બળજબરીપૂર્વક અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જ્યારે અફઝલ શેખે સગીરાને અમદાવાદ લઈ જવામાં મદદગારી કરી હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસનું કહેવું છે.
અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તપાસ શરૂ
સગીરાને શોધી કાઢ્યા બાદ પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. હવે પોલીસ સમગ્ર ઘટનાની કડીઓ જોડવા માટે તપાસ કરી રહી છે. સગીરાને કયા સંજોગોમાં રાજકોટથી બહાર લઈ જવાઈ હતી, તેને અમદાવાદ સહિત કયા-કયા સ્થળોએ લઈ જવામાં આવી હતી અને સમગ્ર ઘટનામાં અરમાન તથા અફઝલ સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તે સહિતના મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે.



