Uncategorized
Trending
નકલી દારૂ વેચી ભાવનગરમાં હાહાકાર મચાવનાર મુખ્ય આરોપી રઈસ ભોપાલથી ઝડપાયો, લઠ્ઠાકાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા

ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસની ભોપાલથી ધરપકડ કરવામાં આવી છે. મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ તથા ઉજ્જૈનથી દારૂ બનાવવાનો સામાન લાવ્યા હતા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી ગૌતમ સોલંકીએ કબૂલાત કરી હતી કે તે મનોજ નામના શખસ મારફતે મુખ્ય આરોપી રઈસના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. રઈસ અને તેનો સાથી ઝુબેર અમદાવાદ તથા ઉજ્જૈનથી દારૂ બનાવવા માટેનો કાચો માલ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા અને અતિ જોખમી એવું મિથેનોલ રસાયણ લાવ્યા હતા.
51 પેટી નકલી દારૂ બનાવીને સ્થાનિક સ્તરે વેચી માર્યો’તો
શરૂઆતમાં આરોપીઓએ 51 પેટી નકલી દારૂ બનાવીને સ્થાનિક સ્તરે વેચી માર્યો હતો. જોકે, બીજી વખત બનાવેલો જથ્થો બગડી જતાં તેનો નાશ કરાયો હતો. ત્યારબાદ દારૂ પરફેક્ટ બનાવવા માટે મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ની મદદ લેવામાં આવી હતી. સારસ, ગણેશ અને અમન જેવા અન્ય સાગરીતો સાથે મળીને રઈસે મિથેનોલ મિશ્રિત અત્યંત ઝેરી દારૂ તૈયાર કર્યો હતો.

લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ
25 પેટી ઝેરી દારૂ બુટલેગરો અને ગ્રાહકો સુધી પહોંચાડી દીધો
આરોપીઓ સારી રીતે જાણતા હતા કે આ દારૂ પીવાથી લોકોના જીવ જઈ શકે છે, છતાં માત્ર પૈસાની અંધ ફેંસમાં તેમણે 25 પેટી ઝેરી દારૂ ભાવનગરના સ્થાનિક બુટલેગરો અને ગ્રાહકો સુધી પહોંચાડી દીધો હતો. આ દારૂ પીવાના કારણે અલગ-અલગ વિસ્તારોમાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 6ના મોત
આ ઝેરી દારૂના કારણે મૃત્યુ પામેલા 6 લોકોમાં નરેન્દ્રસિંહ યાદવ (ઉર્ફે ડોક્ટર), ઉપેન્દ્રસિંહ ગોહિલ, કૌશિક મકવાણા, ઘનશ્યામ જાડેજા, કનકસિંહ ગોહિલ અને શિક્ષક હિતેશ પરમારનો સમાવેશ થાય છે. જેમાં શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ તેમના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેમની પાસેથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. SMCની ટીમે ઉજ્જૈન અને ભોપાલમાં સઘન વોચ ગોઠવીને મુખ્ય સૂત્રધાર રઈસને દબોચી લીધો છે અને હવે આ નેટવર્કના અન્ય તાર જોડવા માટે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.



