
સુરતના કઠોર ગામમાં નવજાત બાળકનો મૃતદેહ મળ્યો. ઉત્રાણ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
પ્રાથમિક વિગતો મુજબ, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નવજાત બાળકના મૃતદેહને ખેતરના સેઢા પાસે લાવીને મૂકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી હતી અને તાત્કાલિક ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવી હતી.
કઠોર ગામની સીમમાં માનસરોવર સોસાયટી પાછળ સર્વે નંબર ૫૪૬ના સેઢા પાસે નવજાત બાળકનો મૃતદેહ જોવા મળતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
નવજાત બાળકનો મૃતદેહ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો અને તેને કોણ મૂકી ગયું તે અંગે હાલ અનેક સવાલો ઉભા થયા છે. બાળકના જન્મ બાદ તેની ઓળખ છુપાવવાના હેતુથી મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હોવાની પણ પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ સમગ્ર મામલે કતારગામ ખાતે રહેતા પ્રહલાદભાઈ રણજીતભાઈ દેસાઈ (ઉંમર 46 વર્ષ) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય નાગરિક સંહિતા, 2023ની કલમ 94 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



