Uncategorized
Trending
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, 17 શંકાસ્પદ કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોનાં મોત

આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે વિશેષ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 3 બાળકોના દુઃખદ મોત નોંધાયા છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે વિશેષ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે આજે જ રાજ્યના 61 સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાયા છે ત્યાં સંક્રમણ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય (Sand Fly) માખીઓ મળી આવી છે. આ માખીઓનો નાશ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે એક બાળક વિસનગરનો છે, જેને સારવાર માટે વડનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અને જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, માખી-મચ્છરનું નિયંત્રણ કરવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જનજાગૃતિ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.




