Uncategorized
આ 3 વિદ્યાર્થીઓએ પરિવાર પાસે પૈસા માંગવાનું છોડી શરૂ કર્યો પોતાનો બિઝનેસ, રોજની કમાણી જાણીને થઈ જશો હેરાન

સુરતના ઉધના સત્યનગર વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો પ્રથમ પેંગાવાલા, શ્રેયાંશુ રાણા અને શિવમ સોનીએ પરિણામની રાહ જોવાના બદલે આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કર્યો છે. 12મા ધોરણની પરીક્ષા આપ્યા બાદ, આ ત્રણેય મિત્રોએ પોતાના પોકેટમની બચાવીને અને પરિવારના સહકારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સામે કોફી કાર્ટ શરૂ કર્યું છે. માત્ર એક જ મહિનામાં આ યુવાનોએ ગ્રાહકોનો અદભૂત પ્રતિસાદ મેળવ્યો છે અને રોજની 2000 રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.
સુરતઃ આજના સમયમાં જ્યાં ઘણા જેન ઝી વિદ્યાર્થીઓને ઝડપથી હાર માની લેતી પેઢી તરીકે જોવામાં આવે છે, ત્યાં સુરતના ત્રણ જેન ઝી વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, ધીરજ અને સંકલ્પથી નવી પ્રેરણા ઉભી કરી છે. સુરત શહેરના ઉધના સત્યનગર વિસ્તારમાં રહેતા પ્રથમ પેંગાવાલા, શ્રેયાંશુ રાણા અને શિવમ સોની આજે અનેક યુવાનો માટે પ્રેરણાનું ઉદાહરણ બની રહ્યા છે. ત્રણેય મિત્રોએ તાજેતરમાં 12th કોમર્સની પરીક્ષા આપી છે અને હાલ પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરંતુ માત્ર પરિણામની રાહ જોવાને બદલે તેમણે પોતાના જીવનમાં કંઈક અલગ કરવાની દિશામાં પગલું ભર્યું અને નાની ઉંમરે જ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
ત્રણેય મિત્રોનો વિચાર હતો કે પરિવાર પાસેથી પોતાના ખર્ચ માટે વારંવાર પૈસા માંગવા કરતાં પોતે કંઈક કામ શરૂ કરવું વધુ સારું. જેથી શરૂઆતમાં તેમણે નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉંમર 18 વર્ષથી ઓછી હોવાને કારણે ઘણી જગ્યાએ નોકરી મળતી નહોતી. ત્યારે તેમણે પોતાના રસ અને અનુભવને ધ્યાનમાં રાખીને બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. સ્કૂલમાં યોજાતા ફનફેર દરમિયાન તેઓ કોફી કાર્ટ રાખતા હતા અને ત્યાંથી તેમને સારો પ્રતિસાદ મળતો હતો. આ જ અનુભવથી પ્રેરાઈને તેમણે એક મહિના પહેલાં પોતાનો કોફી કાર્ટ શરૂ કર્યો. આજે તેમનો આ નાનો પ્રયાસ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. પ્રથમ દિવસથી જ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળતા તેમની હિંમત વધુ વધી છે.
ત્રણેય મિત્રો હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સામેની લાઇનમાં ફૂટપાથ પર સાંજે 5 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી કોફી કાર્ટ ચલાવે છે. તેમના કાર્ટ પર વિવિધ પ્રકારની કોફી ઉપલબ્ધ છે, જેની કિંમત રૂપિયા 80 થી રૂપિયા 150 સુધી રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે રોજિંદી આવક રૂપિયા 2 હજારથી વધુ થઈ રહી છે, જે તેમની મહેનત અને ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
તેમને કોફી કાર્ટ તૈયાર કરવામાં આશરે રૂપિયા 25 હજારનો ખર્ચ થયો હતો. તેમાં પરિવારજનોની મદદ તો મળી જ, પરંતુ ત્રણેય મિત્રોએ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા પૈસાનો પણ ઉપયોગ કર્યો છે. આ વાત તેમની જવાબદારી અને સમર્પણ દર્શાવે છે. આગળ તેઓ BCAનો અભ્યાસ કરવા માંગે છે અને અભ્યાસ સાથે સાથે આ બિઝનેસ પણ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે. તેમનું મોટું સપનું છે કે ભવિષ્યમાં પોતાનું એક સુંદર કેફે શરૂ કરે. નાની ઉંમરે મહેનત, આત્મવિશ્વાસ અને હિંમતથી શરૂ કરાયેલો આ પ્રયાસ આજના યુવાનોને સંદેશ આપે છે કે જો ઇચ્છાશક્તિ મજબૂત હોય તો સફળતાનો માર્ગ પોતાની જાતે તૈયાર થઈ જાય છે.




