Uncategorized
Trending
પ્રેમ પ્રકરણની અદાવતમાં મિત્રની હત્યા: ‘મેં મર્ડર કર્યુ છે, લાશ બહાર ઊભેલી મારી ગાડીમાં છે’

અમદાવાદમાં મિત્રની હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય એડિશનલ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. લાશ કારમાં મૂકી પોલીસ સ્ટેશને પહોંચનારા આરોપી વેદાંત જોગેશ્વર રમેશચંદ્ર રાજાને આજીવન કેદની સજા થઈ છે.
અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2023માં બનેલા ચકચારી મિત્ર હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય એડિશનલ સેશન્સ જજ કે.એસ. ત્રિવેદીની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. પ્રેમ પ્રકરણની અદાવતમાં પોતાના જ મિત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને લોહીલુહાણ મૃતદેહને કારની બાજુની સીટ પર રાખી પોલીસ સ્ટેશને પહોંચનારા આરોપી વેદાંત જોગેશ્વર રમેશચંદ્ર રાજાને કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે હત્યા બાદ પણ આરોપીના વર્તનમાં કોઈ પસ્તાવો જોવા મળ્યો નહોતો, જે તેની ક્રૂર માનસિકતા દર્શાવે છે.
શું હતો સમગ્ર મામલો?
કેસની વિગતો અનુસાર, 15 ઓક્ટોબર 2023ના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે ચાંદલોડિયા વિશ્વકર્મા બ્રિજ નીચે યુવતીને લઈને ચાલતા મનદુઃખના કારણે નવા વાડજના રહેવાસી વેદાંત રાજાએ ફરિયાદી હસમુખભાઈ પ્રજાપતિના 22 વર્ષીય પુત્ર સ્વપ્નીલ પર પોતાની ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયાર વડે શરીરે આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હતી.
હત્યા બાદ સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો
હત્યા કર્યા બાદ આરોપી પોતાની કાર ચલાવીને સીધો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીને તેણે જણાવ્યું હતું કે, “હું મર્ડર કરીને આવ્યો છું અને લાશ મારી બહાર ઉભેલી કારમાં છે.” ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતાં સ્વપ્નીલનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.
મજબૂત પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા
સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ ઉસ્માનગની એ. મન્સુરીએ મેડિકલ પુરાવા, પંચનામા, CCTV ફૂટેજ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરીને દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત રીતે હત્યા કરી હતી અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ. અદાલતે રજૂ થયેલા પુરાવાઓને વિશ્વસનીય અને પરસ્પર સાંકળબદ્ધ ગણાવી આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
‘ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે જરૂરી’ : કોર્ટ
ચુકાદામાં અદાલતે નોંધ્યું કે સામાન્ય મનદુઃખ અને પ્રેમ પ્રકરણની અદાવતમાં પોતાના જ મિત્ર પર અત્યંત ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. 22 વર્ષીય યુવાનની નિર્મમ હત્યા સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. અદાલતે વધુમાં કહ્યું કે આવા ગંભીર ગુનાઓમાં નરમ વલણ અપનાવી શકાય નહીં. સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે કડક સજા જરૂરી છે.




