Uncategorized
Trending

મિત્રતાના નામે કલંક! વર્ષો જુની બહેનપણીની અચાનક એન્ટ્રી, 21 લાખનો કાંડ કરી ફરી રફૂચક્કર, બે માણામાં ડખા ઉભા કર્યા

નિકટના સંબંધ હોવાથી યુવતીએ ભરોસો રાખીને પતિ પાસે છ જેટલા ક્રેડિટ કાર્ડ અપાવ્યા અને આ ક્રેડિટકાર્ડ સ્વાઇપ કરીને ઠગ દંપતિએ 29.66 લાખ મેળવીને માત્ર 8 લાખ પરત આપ્યા હતા. ભોગ બનનારે યુવતીએ અનેક વાર ઉઘરાણી કરવા છતાંય ઠગ દંપતિએ 21.66 લાખ ન આપતા યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.

અમદાવાદ: મિત્રતાના નામ પર કાળો કલંક! 6 વર્ષે મળેલી બહેનપણીએ હોટલમાં ડિનર કરાવી રૂ. 21 લાખની છેતરપિંડી કરી નાખી, કંઈક આવો જ એક કિસ્સો હાલ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત યુવતીને તેની પૂર્વ સાથીકર્મી અને તેના પતિએ પહેલા વિશ્વાસ જીત્યો અને બાદમાં મકાન લેવા માટે લાખો રૂપિયા પડાવી સુખી રીતે ચાલતા દાંપત્ય જીવનમાં ડખા ઊભા કર્યા છે, મિત્ર દંપતિએ 21 લાખની છેતરપિંડી આચરતા દેવું પૂરું કરવા ભોગ બનનાર યુવતીના પતિને ઘરેથી નીકળી વિદેશમાં નોકરી શરૂ કરવાનો વારો આવ્યો છે. ત્યારે પતિથી દૂર રહેતી કંટાળેલી આ યુવતીએ આ મામલે આખરે અરજી આપતા નવરંગપુરા પોલીસે ઠગ દંપતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ નારણપુરામાં રહેતી 38 વર્ષીય પરિણીતા વર્ષ 2014માં બાપુનગરની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તે સમયે તેની સાથે અંકિતા ઝાલા નામની યુવતી પણ નોકરી કરતી હોવાથી બંને વચ્ચે પારિવારિક સંબંધો બંધાયા હતા. વર્ષ 2020માં પરિણીતા તેના પતિ સાથે લો-ગાર્ડન ગઈ હતી ત્યારે અંકિતા અને તેના પતિ કલ્પેશ સાથે મુલાકાત થઈ હતી. અંકિતા અને કલ્પેશે મકાન લેવા લોનની ફાઈલ મૂકી હોવાનું કહીને 30 લાખની મદદ માંગી હતી. બે-ત્રણ મહિનામાં લોન મંજૂર થતાં રૂપિયા પરત કરવાની ખાતરી પણ આપી હતી. જોકે, આટલી મોટી રકમ મામલે પરિણીતાના પતિએ અસમર્થતા દર્શાવતા કલ્પેશે ક્રેડિટકાર્ડથી મદદ કરવા કહ્યું હતું.
એક અઠવાડિયા બાદ અંકિતા અને કલ્પેશે ભોગ બનનાર દંપતિને સીજી રોડની હોટલમાં જમવા આમંત્રણ આપ્યું હતું અને ખાસ કરીને ક્રેડિટકાર્ડ લઈને આવવા પણ કહ્યું હતું. જ્યારે ભોગ બનનાર દંપતિ હોટલ પર પહોંચ્યું ત્યારે અંકિતા ઝાલા અને તેના પતિ કલ્પેશ ઝાલાએ પરિણીતાના પતિ પાસેથી અલગ-અલગ બેંકના છ ક્રેડિટકાર્ડ લઈ લીધા હતા. બાદમાં તે કાર્ડ સ્વાઈપ કરીને અને બેંક મારફતે કુલ રૂ. 29.66 લાખ રૂપિયા મેળવી લીધા હતા.
થોડા સમય બાદ ઠગ દંપતિએ નાણાં ન ચૂકવતા બેંકમાંથી ઉઘરાણીના ફોન આવવા લાગ્યા હતા. બેંકના અધિકારીઓ ઘરે પણ ઉઘરાણી માટે પહોંચવા લાગ્યા હતા. આ મામલે અંકિતા અને કલ્પેશને જાણ કરતા માત્ર 8 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના 21.66 લાખ રૂપિયા પરત ન આપીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આમ, દેવું વધી જતા ભોગ બનનાર દંપતિની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. જેથી આ મામલે પોલીસને અરજી આપતા નવરંગપુરા પોલીસે 21.66 લાખની છેતરપિંડી મામલે અંકિતા ઝાલા અને તેના પતિ કલ્પેશ ઝાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડિપ્રેશનમાં આવી ગયો પતિ, વિદેશમાં નોકરી કરવા મજબૂર

નોંધનીય છે કે, આ સ્થિતિમાં બેંકની ઉઘરાણીના કારણે ભોગ બનનાર પરિણીતાનો પતિ મુશ્કેલીમાં મુકાયો છે અને તે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. બેંકની ઉઘરાણીના ડરથી તે ક્યારેક પીજી, તો ક્યારેક પરિચિતોના ઘરે રહેવા લાગ્યો હતો. પરિસ્થિતિ એવી બની કે બેંકનું દેવું ચૂકવવા માટે તેણે મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા અને આશરે બે વર્ષ પહેલાં વિદેશ જતો રહ્યો હતો. હાલ તે વિદેશમાં નોકરી કરીને બેંકનું 24.30 લાખનું દેવું ચૂકવી રહ્યો છે. બેંકનું દેવું ચૂકવવાની જવાબદારીના કારણે યુવક તેની પત્ની અને પુત્રથી વિખૂટો પડી જતા પરિણીતાને પિયરમાં રહેવાનો વારો આવ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!