Uncategorized
Trending
ઊંચા વળતરની લાલચ ભારે પડી! રાજકોટમાં વેપારી સહિત 11 લોકો સાથે ₹9.61 કરોડની ઠગાઈ

રાજકોટમાંથી છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં, ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોનના નામે રોકાણની સ્કીમ દ્વારા 11 લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
હકીકતમાં, કોઠારિયા રોડની આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરભાઈ મોરવાડિયાનો વર્ષ 2022 દરમિયાન હાર્દિક તન્ના સાથે પરિચય થયો હતો. તે સમયે હાર્દિક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. હાર્દિકે પ્રિ-એપ્રુવ્ડ લોન આધારિત રોકાણની સ્કીમ સમજાવી ઊંચા વળતરની વાત કરી હતી. શરૂઆતમાં નાની રકમ સામે આશરે 20 ટકા સુધીનું વળતર ચૂકવવામાં આવતાં ફરિયાદીનો તેના પર વિશ્વાસ વધ્યો હતો. વિશ્વાસને આધારે ફરિયાદીએ પોતાની બચત ઉપરાંત પર્સનલ લોન અને મકાન મોર્ગેજ કરીને અલગ-અલગ સમયે કુલ રૂ.2.70 કરોડ હાર્દિકને આપ્યા હતા.
ઓક્ટોબર 2023માં હાર્દિકે શીતલપાર્ક સર્કલ નજીક આવેલા આર.કે. વર્લ્ડ ટાવરમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ’ નામથી ઓફિસ શરૂ કરી હતી. ઓફિસના ઉદ્ઘાટન બાદ ફરિયાદીના સંબંધીઓ અને પરિચિતો પણ આ રોકાણ વ્યવસ્થામાં જોડાયા હતા. આ રીતે કુલ 11 લોકો પાસેથી મોટી રકમ મેળવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વિશ્વાસમાં લેવા માટે 3.61 કરોડ આપ્યા
રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે શરૂઆતના તબક્કામાં બેંકિંગ વ્યવહારો મારફતે અંદાજે રૂ.3.61 કરોડ વળતર તરીકે ચૂકવવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જોકે, ત્યારબાદ વળતર અને મૂળ રકમની ચુકવણી બંધ થઈ ગઈ હતી. રોકાણકારોએ પોતાની રકમ પરત માગવાનું શરૂ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હાર્દિકનું લોકેશન શોધ્યું હતું અને અંતે તેને ઈન્દોરથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પર આશરે રૂ.15 લાખનું દેવું હોવાની વિગતો સામે આવી છે. આ દેવું ચૂકવવાના હેતુથી તેણે સમગ્ર યોજના શરૂ કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે.



