Uncategorized
Trending
ઘરે ટ્યુશન લેવા આવતી મહિલા પ્રોફેસરનું પતિ સાથે 4 વર્ષથી ચાલતું ઈલુ-ઈલુ! 4 સંતાન સાથે મારે ક્યાં જવું? ન્યાય માટે પત્નીની પોકાર

રાજકોટમાં પતિ દ્વારા પત્નીને માર મારતો વીડિયો વાયરલ. પતિના અન્ય મહિલા સાથેના સંબંધોને કારણે બોલાચાલી થઈ. પત્નીનો દાવો છે કે પતિનું ટ્યુશન ટીચર સાથે 4 વર્ષથી પ્રેમ પ્રકરણ છે.
રાજકોટ: શહેરમાં પતિ દ્વારા પત્નીને માર મારતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધોની જાણ પત્નીને થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. પત્નીનો આક્ષેપ છે કે તેના પતિ, જે વ્યવસાયે કારખાનેદાર છે. તેમની પુત્રીને ટ્યુશન કરાવવા આવતી મહિલા પ્રોફેસર સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં છે. આ મુદ્દે વિરોધ કરતાં પતિએ તેમની સાથે મારપીટ કરી હોવાનું પણ પત્નીનો દાવો છે.

પત્નીના જણાવ્યા મુજબ, આ મામલે અગાઉ પણ મહિલા પ્રોફેસર અને પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જોકે, સંબંધોમાં કોઈ ફેરફાર ન આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનું જણાવાયું છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં ચાર સંતાનોના પિતા હોવાનું કહેવાતા વ્યક્તિના મીઠાપુરની એક યુવતી તેમજ મહિલા પ્રોફેસર સાથેના કથિત ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે પીડિત પત્નીએ મીડિયા સમક્ષ આક્રોશ સાથે પોતાના પતિ અને તેમજ તેની કથિત પ્રેમિકા મહિલા પ્રોફેસર અંગે જણાવ્યું કે, મારા પતિનું નામ નયન ચાંઢવા છે અને અમારે બે દીકરી સહિત 4 સંતાન છે. અમે સહપરિવાર રાજકોટ શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલ સત્યમ પાર્કમાં રહીએ છીએ અને તાજેતરમાં એક મહિલાને મારતા વ્યક્તિનો વાયરલ CCTV વીડિયો મારો અને મારા પતિનો જ છે. આ મારપીટમાં માર ખાનાર મહિલા હું પોતે છું અને માર મારનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ મારા જ પતિ નયન ચાંઢવા છે.

પીડિત પત્નીએ વાયરલ વીડિયો અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ગત 25મી જુલાઈએ 80 ફૂટ મેઈન રોડ, આંબેડકર ગેટની સામે શ્રીરામ કારખાનામાં આ બનાવ બન્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, મારો પતિ મને નિર્દય રીતે માર મારી રહ્યો છે. જેની પાછળનું કારણ મેં તેમને એક મહિલા સાથે વાતચીત કરતા અટકાવ્યો હોવાનું છે. મારા પતિનું ઘરે દીકરીઓના ટ્યુશન લેવા આવતી મહિલા પ્રોફેસર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલે છે. હું વિરોધ કરું એટલે મને મારા પતિ માર મારે છે. ઘરે હોય, બહાર મારે ઘણીવાર તો ભક્તિનગર સર્કલ પાસે પણ મને જાહેરમાં મારેલી છે. આવી જ રીતે ગત 25 તારીખે પણ હું માંડ માંડ મારો જીવ બચાવીને છેલ્લા 4 દિવસથી અહીં તહીં ભટકી રહી છું અને હાલ ન્યાય માટે હું મીડિયા સામે આવી છું.

પીડિત પત્નીએ ઉમેર્યું કે, આજથી 4 વર્ષ પહેલા મેં મારી બંને દીકરીઓ માટે ઘરમાં ટ્યુશન બંધાવ્યું હતું. જ્યાં અન્ય 3 શિક્ષિકા સહિત આ શિક્ષિકા પણ ભણાવવા માટે આવતી હતી. એ અવારનવાર મને કહેતી કે, તમારા પતિને કહો કે મને ઘરે મૂકી જાય! જેથી તેઓ તેમને મૂકવા જતા હતા, ત્યાં તેમનું પ્રેમ-પ્રકરણ શરૂ થયું હોઈ શકે છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી મારા પતિ મને માર મારે છે અને હું સહન કરતી આવી છું. આ મહિલા પ્રોફેસરે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે.

વધુમાં તેણીએ કહ્યું કે, મેં આ અંગે વારંવાર પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે. મેં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે. ત્યાં બંને (પતિ-મહિલા પ્રોફેસરે) મારી માફી માંગી હતી અને કહ્યું હતું કે અમે ભાઈ-બહેન છીએ, હવેથી અમે એકબીજાને નહીં બોલાવીએ. ત્યારે આ બાબતે સમાધાન થઈ ગયું હતું. જે બાદ આ બધું ફરી શરૂ થયું અને હાલ આ મહિલા પ્રોફેસર મારા પતિને એવું પ્રેશર આપે કે મારા વીડિયો ડીલીટ કરો નહીં તો તમારા પત્ની અને છોકરીઓને 3 વર્ષની સજા દેવડાવીશે.

અંતે પીડિત પત્નીએ ન્યાયની ગુહાર સાથે કહ્યું કે, હાલ મારી માંગ એટલી જ છે કે, મારે 4 બાળક સાથે ક્યાં જવું? હું 4 દિવસથી રઝળું જ છું. મારે પિયર પક્ષને મમ્મી એકલા જ છે, 9 મહિના પહેલા મારા પિતા મૃત્યુ પામ્યા અને મારા ભાઈ લોકો મજૂરી કામ કરી ગુજરાન ચલાવે, તે લોકો કંઈ પણ બોલે એટલે સામે પક્ષે ગાળો અને અપશબ્દો બોલે એટલે એ લોકો પણ રોષે ભરાયા છે. જેથી મને આ મામલે યોગ્ય ન્યાય જોઈએ છે.

નોંધનીય છે કે, હાલ આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી પત્ની દ્વારા મારપીટ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તેથી પોલીસ તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અને આક્ષેપોની સત્યતા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. જોકે હાલ તો આ પતિ-પત્ની વચ્ચે મારપીટનો વાયરલ વીડિયો આખા રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે.




